નાસિરહુસેનના ઓલરાઉન્ડર પ્રદર્શનથી બાંગ્લાદેશ-Aએ ભારત-Aને હરાવ્યું

બેંગલુરુઃ અહીંના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહેલ ત્રણ વનડે મેચોની સિરીઝની બીજી મેચમાં બાંગ્લાદેશ-એ એ ભારત-એને ૬૫ રને હરાવ્યું હતું. બાંગ્લાદેશ-એ તરફથી નાસિરહુસેનના શતકીય ૧૦૨ રનની મદદથી મળેલા ૨૫૩ રનના પડકારનો પીછો કરતાં ભારત-એની પૂરી ટીમ માત્ર ૧૮૭ રનમાં ખખડી ગઈ હતી જેના કારણે બાંગ્લાદેશે બીજી વનડે ૬૫ રને જીતી હતી. ત્રણ વનડેની સિરીઝ એક એકથી બરાબર કરી હતી. અંતિમ ત્રીજી વનડે રવિવારે રમાશે. ભારત તરફથી કપ્તાન ઉન્મુક્ત ચંદના ૫૬ રન ઉપરાંત ગઈ મેચના હીરો ગુરકીત સિંધુના ૩૪ અને મનીષ પાંડેના ૩૬ રનનું યોગદાન રહ્યું હતું. બાકીના તમામ બેટસમેન સસ્તામાં આઉટ થઈ જતાં ટીમ ૪૨-૨ ઓવરમાં ૧૮૭ રન બનાવી શકી હતી.બાંગ્લાદેશ-એ તરફથી શતકવીર નાસિરહુસેને પાંચ વિકેટ લીધી, જયારે રુબેલ હુસેને ચાર વિકેટ ઝડપી હતી. ટોસ જીતી ભારત-એ એ બોલિંગનો નિર્ણય કરતાં બાંગ્લાદેશ-એ પહેલી બેટિંગ કરતાં ભારત-એની સામે ૨૫૩ રનનો પડકાર મૂકયો હતો. નાસિરહુસેને શાનદાર શતકીય ૧૦૨ રનની અણનમ બેટિંગની મદદથી બાંગ્લાદેશે ૫૦ ઓવરમાં આઠ વિકેટે ૨૫૨ રન બનાવ્યા હતાં. બાંગ્લાદેશ-એની શરૂઆત સારી ન રહેતા તેને પહેલી વિકેટ શૂન્ય પર ગુમાવી હતી. રોની તાલુકદાર ખાતુ ખોલ્યા વિના જ યશ કલાદિયાની બોલિંગનો શિકાર બન્યો હતો. ત્યારબાદ સૌમ્યા સરકાર અને અનામુલ હક વચ્ચે ૬૦ રનની ભાગીદારી થઈ હતી જો કે સરકાર માત્ર ૨૪ રન બનાવી ઋષિ ધવનનો શિકાર બન્યો હતો.બાંગ્લાદેશ તરફથી ટોપનો કોઈપણ બેટસમેન લાંબુ ટકી શકયો નહતો અને ૮૨ રનની અંદર તેની પાંચ વિકેટ પડી ગઈ હતી કપ્તાન લિટનદાસે પાંચમાં નંબરે આવી ૪૫ રનની ઈનિંગ રમી અને છઠ્ઠી વિકેટના રૂપમાં આઉટ થતાં પહેલા ટીમનો સ્કોર ૧૫૨ રને પહોંચાડ્યો હતો. નાસિરહુસેનને નીચલા ક્રમની સાથે શાનદાર બેટિંગ કરતાં ૧૦૨ રનનું અણનમ યોગદાન આપ્યું હતું જેને લઈ બાંગ્લાદેશ-એ ટીમ ૨૫૨ રનના સન્માનજનક સ્કોરે પહોંચી હતી. ભારત-એ તરફથી ઋષિ ધવને ૧૦ ઓવરમાં ૪૪ રન આપી ચ્રણ વિકેટ ઝડપી હતી, તો કર્ણ શર્માએ બે વિકેટ જયારે સુરેશ રૈના અને યશ કલાદિયાએ એક-એક વિકેટ ઝડપી હતી.
 
You might also like