નામ બદલીને રાજસ્થાન અને ચેન્નઈને રમાડવાની યોજના

નવી દિલ્હીઃ આઇપીએલ સંચાલન પરિષદ દ્વારા રચાયેલા વર્કિંગ ગ્રૂપની ગઈ કાલે યોજાયેલી અંતિમ બેઠકમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ ફ્રેંચાઇઝીઓનો બચાવ કરવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર ચેન્નઈ અને રાજસ્થાનની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર નહીં જાય, બલકે તેને જાળવી રાખવા માટે નવા મેનેજમેન્ટની વ્યવસ્થા કરાશે. ઉલ્લેખનીય છે કે જસ્ટિસ આર. એલ. લોઢા સમિતીના રિપોર્ટ બાદ આઇપીએલ ૬માં ભ્રષ્ટાચાર મામલામાં દોષી ઠર્યા બાદ આ બંને ટીમ પર બે વર્ષનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.બેઠકમાં એવું કહેવામાં આવ્યું હતું કે બંને ફ્રેંચાઇઝીઓનાં નામ બદલીને તેને આઇપીએલ ૯માં રમવાની તક મળે. એક સભ્યએ કહ્યું કે જો બંને ટીમને રમવાની તક નહીં મળે તો એ ટીમમાં સામેલ ખેલાડીઓનું અહિત થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર વર્કિંગ ગ્રૂપમાં સામેલ ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ જોકે આ દલીલનો જોરદાર વિરોધ કર્યો હતો. તેણે કહ્યું કે, ”આ યોગ્ય નથી.” ગાંગુલીના વલણ બાદ અન્ય સભ્યો ચૂપ થઈ ગયા હતા. બેઠકમાં ચેન્નઈના માલિકી હક ધરાવતી એન. શ્રીનિવાસનની કંપની ઇન્ડિયા સિમેન્ટ્સની આઇપીએલ ફ્રેંચાઇઝીને સહયોગી કંપનીને પાંચ લાખ રૂપિયામાં વેચી દેવાનો મામલો ઊઠ્યો હતો.કાર્યકારી સમૂહમાં આઇપીએલ ચેરમેન રાજીવ શુક્લા, અનુરાગ ઠાકુર ઉપરાંત બીસીસીઆઇના કોષાધ્યક્ષ અનિરુદ્ધ ચૌધરી સામેલ છે. બીસીસીઆઇના કાનૂની સલાહકાર ઉષાનાથ બેનરજી આ ગ્રૂપની મદદ કરી રહ્યા છે. બેઠક બાદ રાજીવ શુક્લાએ કહ્યું કે, ”અમે બધા પક્ષો પાસેથી સલાહ લીધી અને તેની સમીક્ષા બાદ ફાઇનલ રિપોર્ટ ૨૮ ઓગસ્ટે કોલકાતામાં યોજાનારી કાર્યકારી સમિતિની બેઠકમાં રજૂ કરાશે.” ગઈ કાલની બેઠકમાં આઇપીએલના સીઓઓ સુંદર રમણ અને બીસીસીઆઇના એન્ટી કરપ્શન યુનિટના અધ્યક્ષ નીરજકુમારે પણ ભાગ લીધો હતો. અહેવાલ અનુસાર બીસીસીઆઇના ભૂતપૂર્વ અધ્યક્ષ શરદ પવાર વર્કિંગ કમિટીની આગામી બેઠકમાં ભાગ લેશે અને આ બંને ટીમના નામ બદલી રમાડવાનો પ્રસ્તાવ આવશે તો તેનો વિરોધ કરશે.
You might also like