નવ વર્ષથી જીટીયુ પાસે પોતાનું કેમ્પસ જ નથી

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર ભારતમાં અને વિદેશની યુનિવર્સિટીઓ સાથે એમ.ઓ.યુ.કરેલી ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી પોતે જ કેમ્પસ વિહોણી છે.વર્ષ ૨૦૦૭ થી શરૂ થયેલી ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટીના ઉચ્ચ સંચાલકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી રહી હોવા છતાં ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટીને હાલ ચાંદખેડા ખાતે આવેલા વિશ્વકર્મા કેમ્પસ ખાતે શૈક્ષણિક કાર્ય યથાવત્ રાખવાની ફરજ ઊભી થઇ છે.

ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટીના સત્તાધીશો વર્ષ ૨૦૧૦ થી ગાંધીનગર ખાતે પોતાની જગ્યા મેળવવા સરકારને રજૂઆત કરી રહ્યા છે.આ અગાઉ ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી એસીપીસી ખાતે વર્ષ ૨૦૦૭ માં શરૂ કરવામાં આવી હતી.જે બાદ વિદ્યાર્થીઓની સંખ્યામાં ધરખમ વધારો થતાં હાલ જાન્યુઆરી ૨૦૧૩ થી ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી ચાંદખેડા સ્થિત વિશ્વકર્મા કેમ્પસમાં કાર્યરત છે.

આ અગાઉ નવેમ્બર ૨૦૧૦ માં ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી દ્વારા સરકારને ગાંધીનગરમાં કેમ્પસ ઊભો કરવા માટે રજૂઆત કરાઇ હતી.ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી સાથે આઇ.આઇ.ટી.એ પણ ગાંધીનગર ખાતે પોતાનું કેમ્પસ ઊભો કરવા અંગે સરકારને રજૂઆત કરી હતી.જેને પગલે ગુજરાત સરકારે શાખના આધારે આઇ.આઇ.ટી.ને ગાંધીનગરમાં ૪૦૦ એકર જગ્યા ફાળવી દીધી હતી. ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટીને શરૂ થયાને નવ વર્ષ પૂર્ણ થવાને આરે છે.તેમ છતાં નવ વર્ષ પછી પણ ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટીને પોતાનો કેમ્પસ મેળવવા હાલ સરકારના ઉત્તરની રાહ જોવાનો વારો આવ્યો છે ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટીના કુલપતિ અક્ષય અગ્રવાલે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૦ના નવેમ્બર માસથી ગાંધીનગર ખાતે જગ્યા મેળવવા માટે ગુજરાત સરકારને રજૂઆત કરી હતી.હાલ સરકાર જોડે આ અંગે વાત ચાલી રહી છે.

You might also like