નવા કલાકારો ફિલ્મની પસંદગી સમજીને કરેઃ દેવ

હાલમાં બોલિવૂડમાં ન્યૂ કમર્સે જબરદસ્ત વર્ચસ્વ જમાવ્યું છે. ધારાવાહિકથી લઈને ફિલ્મો સુધી પ્રતિભાશાળી કલાકારોને સારું પ્લેટફોર્મ મળી રહ્યું છે. મહત્ત્વાકાંક્ષી અને ઉત્સાહી યુવાનોની એક મોટી ફોજ અહીં પોતાના જોશ સાથે તૈયાર છે, પરંતુ કલાકારો અને ફિલ્મકારોની વચ્ચે અાપસના તાલમેલના અભાવમાં ઘણી વાર દુવિધા ઊભી થાય છે. અાવું જ કંઈક અભિનેતા દેવ ગોહર સાથે બન્યું.  તે વોટર એન્ટરટેઈન્મેન્ટની ફિલ્મ ‘ઈબ્ને બતૂતા’માં પોતાની પ્રતિભા સાબિત કરી ચૂક્યો છે અને એ જ ટેલેન્ટના ભરોસે નિર્માતા ગુરુદેવ અનેજાએ તેની સાથે ત્રણ ફિલ્મનો કોન્ટ્રેક્ટ કર્યો છે. એક ફિલ્મ પૂરી કર્યા બાદ બીજી ફિલ્મ ‘લવ જેહાદ’ શરૂ થઈ ગઈ. શરૂઅાતના સમયમાં જ અા રીતે ત્રણ ફિલ્મ મળવી કોઈ પણ ન્યૂ કમર્સ માટે કોઈ ઉપલબ્ધિથી ઓછું નથી, પરંતુ એક બેડ ન્યૂઝ એ પણ છે કે કોન્ટ્રેક્ટ મુજબ બીજી ફિલ્મ ‘લવ જેહાદ’ અડધી શૂટ થયા બાદ અધ્ધરતાલ થઈ ગઈ છે અને અા માટે અભિનેતા દેવ ગોહર નિર્માતાને દોષી માને છે. તેને લાગે છે કે તેની સાથે વિશ્વાસઘાત થયો છે અથવા તો તેની અેક્ટિંગને વેસ્ટ કરવામાં અાવી છે. દેવનું કહેવું છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂકતી વખતે કોઈ પણ નવો કલાકાર ખતરા સાથે રમતો હોય તેવું લાગે છે. કયા અાધારે ફિલ્મની પસંદગી કરવી તે સમજવું અઘરું છે. તે કહે છે કે મેં પણ મુંબઈ અાવીને અાવી ઘણી ભૂલો કરી, ખોટી ફિલ્મની પસંદગી કરીને સમય બરબાદ કર્યો. મેં સાઈન કરેલી ફિલ્મોની ધીમી ગતિનું પરિણામ મારે ભોગવવું પડ્યું. હું અભિનેતા બનવા ઈચ્છતા યુવાનોને કહેવા માગું છું કે તેઓ ફિલ્મોની પસંદગીમાં ખૂબ જ સતર્ક રહે. •
 
You might also like