નવરાત્રિના પૈસાની ઉઘરાણી બાબતે યુવકની છરીના ઘા મારી હત્યા

અમદાવાદઃ શહેરમાં સતતને સતત ગુનાખોરીના પ્રમાણમાં વધારે થઈ રહ્યો છે. સામાન્ય બાબતે બોલાચાલીમાં લોકોની હત્યા અને મારામારીના બનાવો હવે સામાન્ય બની ગયા છે. અમદાવાદ હવે ઉત્તર પ્રદેશ અને બિહાર જેવું બનતું જઈ રહ્યું છે. શહેરના નિકોલ વિસ્તારમાં અાવેલી કોમલ રેસિડેન્સીમાં ગત રાત્રે નવરાત્રિના પૈસાની ઉઘરાણી બાબતે ફ્લેટના રહીશો વચ્ચે બોલાચાલી થતાં મહિલા સહિત ત્રણ લોકોઅે ભેગા મળી યુવકને છરીના ઘા મારી હત્યા કરી નાખી હતી. હત્યા મામલે નિકોલ પોલીસે ત્રણેયની અટકાયત કરી તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નિકોલ કોમલ રેસિડેન્સીમાં રમેશભાઈ કડિયા પોતાના પરિવાર સાથે રહે છે. અાગામી દિવસોમાં નવરાત્રિનો તહેવાર અાવતો હોવાથી રમેશભાઈ મને તેમનો પુત્ર સાગર કડિયા (ઉ.વ. ૨૧) ફ્લેટના નવરાત્રિના તહેવાર નિમિત્તે પૈસા ઉઘરાવવા ગયા હતા. દરમિયાનમાં અે બ્લોકમાં રહેતા પ્રકાશભાઈ ઉર્ફે લાલુ નેપાળીના ઘરે તેઅો ગયા હતા અને નવરાત્રિના રૂ. ૫૦૦ની ઉઘરાણી કરી હતી. જે બાબતે પ્રકાશભાઈ અને રમેશભાઈ તેમજ તેમના પુત્ર સાથે બોલાચાલી થઈ હતી અને તમે અહીંયાથી જતા રહો તેમ કહ્યું હતું. જેથી મામલો ઉગ્ર બનતા પ્રકાશભાઈ તેમની પત્ની નીલુબેન અને તેમના જમાઈ રવિઅે ભેગા મળી સાગરને ઉપરા છપરી છરીના ઘા મારી દીધા હતા. જેથી સાગર ત્યાં જ ઢળી પડ્યો હતો. બનાવની જાણ નિકોલ પોલીસને કરાતા નિકોલ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. 

રમેશભાઈની ફરિયાદને અાધારે પોલીસે ત્રણેય િવરુદ્ધ ગુનો નોંધી ત્રણેયની અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.

You might also like