નરેન્દ્ર મોદીની ‘ચા’ બાદ હવે શિવરાજસિંહનું ‘શિવનીર’

ભોપાલઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીઅે લોકસભા ચૂંટણીઅો પહેલા ચાને લોકો સુધી પહોંચવાનો રસ્તો બનાવ્યો હતો. હવે મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ વિશ્વ હિંદી સંમેલન દરમિયાન લોકોને મફત પાણી પીવડાવીને જનસેવકની પોતાની છબી ચમકાવવાની તૈયારી કરી રહ્યા છે. અા માટે વિશ્વ હિંદી સંમેલન સ્થળની નજીક એક વોટર સેન્ટર સ્થાપિત કરાયું છે. જેને શિવનીર નામ અપાયું છે.

ભોપાલ નગર નિગમ દ્વારા એક પ્રાઈવેટ કંપનીના સંયોગથી સ્થાપિત અા વોટર સેન્ટરથી શહેરના લોકોને પણ શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં અાવશે. હેલ્પ પોઈન્ટ સર્વિસિસ ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ દ્વારા અા વોટર સેન્ટર બનાવાયું છે. કંપનીની પ્રતિનિધિ નંદિની સમાજદારના જણાવ્યા મુજબ અા સેન્ટર માટે ભોપાલ નગર નિગમે જમીન અાપી છે જેની પર લગભગ ૧૩ લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. તેમાંથી ૧૦ લાખ રૂપિયા ભોપાલ નગર નિગમ અાપશે. 

અા સેન્ટરમાંથી પીવાનું પાણી લોકોને મફતમાં મળશે પરંતુ જે લોકો પાણી ઘરે લઈ જવા ઇચ્છશે તેને તેની કિંમત ચૂકવવી પડશે. ૨૦ લિટરના જાર માટે ૨૦ રૂપિયા અાપવા પડશે. જેમાં ૧૮ રૂપિયા નગર નિગમ ભોપાલના ખાતામાં જશે જ્યારે બે રૂપિયા કંપનીને મળશે. નંદિનીના જણાવ્યા મુજબ વોટર સેન્ટરનું નામકરણ ભોપાલ નગર નિગમે કર્યું છે. તેમણે જણાવ્યું છે કે ભોપાલમાં કેટલીક અન્ય જગ્યાઅો પર પણ અાવાં સેન્ટર બનાવવામાં અાવશે. નંદિનીઅે એ પણ સ્પષ્ટ કર્યું કે વોટર સેન્ટરનો મોટો ભાગ નગર નિગમ ભોપાલ જ અાપશે. જ્યારે અે જ કંપની પાણી અને વીજળીનું બિલ જાતે ભરશે. 

અા પહેલાં મધ્ય પ્રદેશના અનુપપુરમાં પણ એક વોટર સેન્ટર સ્થાપિત કરાયું હતું. અે સેન્ટરને હજુ સુધી કોઈ નામ અપાયું નથી. બીજી તરફ પ્રમુખ વિપક્ષ કોંગ્રેસે વોટર સેન્ટરને શિવનીર નામ અાપવા પર વ્યંગ કરતાં કહ્યું કે ભાજપના રાજમાં સમગ્ર દેશમાં ચા પાણીનો સમય ચાલી રહ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર મુખ્ય મુદ્દાઅો પરથી લોકોનું ધ્યાન હટાવવા માટે અાવાં કામ કરી રહી છે.

 

You might also like