નકલી પોલીસ બની ટ્રક લૂંટનાર ત્રણ આરોપીઓની ધરપકડ  

અમદાવાદઃ સાણંદ-તેલાવ રોડ પર બે દિવસ અગાઉ મોડી રાત્રે પોલીસ તરીકેની ઓળખ આપી સ્ટીલની પ્લેટો ભરેલી ટ્રકની લૂંટ કરી ફરાર થનાર ત્રણ આરોપીઓની સાણંદ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે અણદેજ ગામ નજીક કેનાલ પાસેથી સ્ટીલની પ્લેટો ભરેલ સામાન અને ટ્રક સહિત રૂ.ર૦ લાખનો મુદ્દામાલ કબજે કરી અન્ય એક આરોપીની શોધખોળ શરૂ કરી છે. સાણંદ પોલીસ સ્ટેશનના પીઆઇ વ્યાસના જણાવ્યા મુજબ બે દિવસ અગાઉ ઓઢવ વિસ્તારના વલ્લભનગર ખાતે રહેતા દિલેદાર રામકિશોર રાજગોર (બ્રાહ્મણ) સ્ટેઇનલેસ સ્ટીલ લોખંડની પ્લેટો ભરેલી ટ્રક લઇ સાણંદ-તેલાવ રોડ પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે બે અજાણ્યા શખ્સો બાઇક પર આવ્યા હતા અને પોલીસ તરીકેની ઓળખ આપીને તેઓને સાહેબ જોડે જવાનું છે કહી થોડે દૂર લઇ જઇ ઉતારી પ્લેટો ભરેલી ટ્રક લઇ ફરાર થઇ ગયા હતા. ગઇ કાલે બાતમીના આધારે સાણંદ નજીક અણદેજ ગામની કેનાલ પાસેથી સ્ટેઇનલેસ સ્ટીલની પ્લેટો તેમજ ટ્રક મળી આવી હતી અને તપાસ કરતાં આરોપી સાહિલ અજમત હુસેન શેખ (ઉં.વ.રર, રહે. વટવા), એઝાઝ મહંમદ હનીફ ઉર્ફે સોનુ (ઉં.વ.ર૭, રહે. રેલવે કોલોની, ખોખરા) અને અહેમદ મુબારક શેખ (ઉં.વ. ર૮, રહે.ગોલ્ડનપાર્ક, અલીફનગર, વટવા)ની ધરપકડ કરી હતી. 
You might also like