ધોનીનો ‘ખેલ’ ખતમ થઈ રહ્યો છે?

કટકઃ પ્રવાસી દક્ષિણ આફ્રિકા સામે ટી-૨૦ શ્રેણી ગુમાવ્યા બાદ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ બહુ વિચિત્ર નિવેદન આપ્યું કે, ”દર વર્ષે એક ખરાબ પ્રદર્શન તેને યાદ અપાવે છે કે આ ફોર્મેટમાં દિમાગનો વધારે ઉપયોગ કરવાની જરૂર નથી.” હંમેશાં ટીમના કંગાળ પ્રદર્શનનો બોજો ધોનીના ખભા પર આવી જાય છે. આ વખતે એ જોવું દિલચસ્પ બની રહેશે કે બીસીસીઆઇની નવી બાદશાહત ધોની સાથે કેવોક વર્તાવ કરશે, ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં ધોનીની ભૂમિકા શું રહેશે?જ્યારથી વિરાટ કોહલીને કેપ્ટનશિપનો તાજ મળ્યો છે ત્યારથી એ નક્કી થઈ ગયું છે કે કેપ્ટન તરીકે ધોની પોતાનો જાદુ બતાવી શક્યો નથી. અગાઉ વિશ્વકપની ફાઇનલમાં હારી ગયો, પછી બાંગ્લાદેશમાં પરાજય અને હવે દક્ષિણ આફ્રિકા સામે ટી-૨૦માં શરમજનક હારથી ધોની પર જબરદસ્ત દબાણ આવી ગયું છે. ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ (ચેન્નઈ, સપ્ટેમ્બર ૨૦૧૨), ભારત વિરુદ્ધ શ્રીલંકા (ઢાકા) ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ (બર્મિંગહમ)ની મેચમાં ધોનીની ‘આર્ટ’ ક્યારેક સારી તો ક્યારેક ખરાબ જોવા મળી. કટક ખાતે બીજી ટી-૨૦ મેચમાં છ વિકેટે પરાજય બાદ ધોનીએ કહ્યું હતું કે, ”દર વર્ષે ટી-૨૦માં આપણે આવું પ્રદર્શન જોયું છે, જેમાં આપણે સારું રમી શક્યા નથી. હવે કદાચ આગામી મેચમાં આપણે ખૂલીને રમી શકીશું.”ધોનીએ જરા દબાયેલી વાણીમાં કહ્યું, ”અંગત રીતે મારું માનવું છે કે મેં આ ફોર્મેટમાં બહુ દિમાગ ચલાવ્યું, ખૂલીને શોટ રમવા જરૂરી હતા. હું કરિયરની શરૂઆતમાં  આવી જ રીતે રમતો. આ ફોર્મેટમાં આવતાં જ મોટા શોટ્સ રમવા જરૂરી હોય છે. જોકે આવતી કાલે ગુરુવારે કોલકાતામાં ભારતની ફરીથી અગ્નિપરીક્ષા થશે.” આ બધી પરિસ્થિતિ અને આ બધાં નિવેદનો પરથી એવું લાગી રહ્યું છે કે નજીકના ભવિષ્યમાં બીસીસીઆઇનું નવું મેનેજમેન્ટ કોઈ સખત નિર્ણય લેશે. ધોનીના નિરાશાજનક સૂર પરથી એટલું તો સ્પષ્ટ છે કે ધોની હવે પહેલાં જેવો આક્રમક નથી રહ્યો. મેદાનમાં અને ટીવી સ્ક્રીન પર લોકોએ વિરાટ કોહલીની જુસ્સાથી ભરપૂર આક્રમકતા જોઈ છે અને ભારતીય ક્રિકેટ ચાહકોને એ આક્રમકતા પસંદ પણ પડી છે. આમેય વધતી ઉંમરને કારણે લાગે છે કે ધોનીનો ‘ખેલ’ હવે ખતમ થઈ રહ્યો છે.
You might also like