ધોનીને બલિનો બકરો બનાવાઇ રહ્યો છેઃ ગાવસ્કર

નવી દિલ્હીઃ ભારતના પૂર્વ કપ્તાન સુનિલ ગાવસ્કરે ટીકાઓના શિકાર બની રહેલા કેપ્ટન કૂલ મહેન્દ્રસિંહ ધોનીનો બચાવ કરતાં કહ્યું કે, તેને બલિનો બકરો બનાવાઇ રહ્યો છે. દક્ષિણ આફ્રિકા સામે પહેલી વન-ડેમાં મળેલી નજીકની હાર પછી ટીકાઓનો શિકાર બનતાં ધોનીનો બચાવ કરતાં ઉપરોક્ત કહ્યું હતું. ગાવસ્કરે કહ્યું, એમાં કોઇ શક નથી કે ધોની અત્યારે પણ ભારતનો નંબર વન ફિનિશર છે. સામાન્ય વાત એ છે કે ઉંમર જે વધતી જાય તેમ શક્તિ ઘટતી જાય છે, પરંતુ આ વાત માત્ર રમત માટે નહીં પરંતુ તમામ જગ્યાઓ પર લાગુ પડે છે. જ્યારે પણ ટીમ હારે છે ત્યારે કોઇને કોઇને બલિનો બકરો બનાવાય છે. અને આ વખતની હારનું ઠીકરું ધોનીના માથે ફોડવામાં આવી રહ્યું છે. જે બિલકુલ પણ યોગ્ય નથી.તેમણે કહ્યું, ધોનીએ આટલા વર્ષોમાં દેશને ઘણી સિદ્ધિઓ અપાવી છે, અને માત્ર એક ખરાબ પ્રદર્શનથી તેની ચમક ફીકી પડતી નથી. મેચ પછી એવું કહી શકાયું હોત કે ટીમના બોલરોએ ગઇ વખતે કરેલી ભૂલમાંથી કોઇ સબક લીધો નહીં અને આ મેચમાં પ્રદર્શન સુધાર્યું નહીં. ૬૬ વર્ષીય ગાવસ્કરે કહ્યું, વર્તમાન સમયમાં બોલિંગ જ ભારતીય ટીમની સૌથી મોટી સમસ્યા છે. આપણા બોલરો છેલ્લી ૧૦ ઓવરોમાં ૧૦૦થી વધુ રન આપે છે. જે ચિંતાનો વિષય છે. ટીમ સાથે આટલા વખતથી જોડાયેલ બોલરોનો અંતિમ ઓવરોમાં વિશ્વાસ રહેતો નથી. આ અંગે કોઇ શીખવા તૈયાર ન હોય તો તેનો ટીમમાં સમાવેશ ન કરવો જોઇએ. મારું વ્યક્તિગત રીતે માનવું છે કે મોહિત શર્મા અને ભુવનેશ્વરને વધુમાં વધુ તક આપવી જોઇએ.
 
You might also like