ધોનીએ હારનું ઠીકરું અમ્પાયર પર ફોડી અક્ષરનો બચાવ કર્યો

ધર્મશાલાઃ ગઈ કાલે અહીં દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી પહેલી ટી-૨૦ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ અમ્પાયરોના કેટલાક નિર્ણયો સામે નારાજગી વ્યક્ત કરી હતી. મેચ પૂરી થયા બાદ ધોનીએ કહ્યું કે, ”કેટલાક નિર્ણયો અમારા પક્ષમાં નહોતા આવ્યા. ક્યારેક ક્યારેક આવા નિર્ણયો મેચનું પરિણામ બદલી નાખે છે. જો ડુમિની વહેલો આઉટ થઈ ગયો હોત તો રમત કંઈક અલગ જ હોત. તેણે બાદમાં સુંદર ઇનિંગ્સ રમી.” ઉલ્લેખનીય છે કે અંતિમ ઓવરોમાં ભુવનેશ્વરની બોલિંગમાં ડુમિની સ્પષ્ટ એલબીડબલ્યુ આઉટ હતો, પરંતુ અમ્પાયરે તેને નોટઆઉટ આપ્યો હતો. ધોનીએ જણાવ્યું કે, ”મેચમાં એક એવો પણ સમય આવ્યો હતો, જ્યારે અમે ઘણા રન આપી દીધા. આનાથી બોલર્સ પર ઘણું દબાણ આવે છે. કોઈ પણ ઓવરમાં જ્યારે ૨૦થી વધુ રન આવે છે ત્યારે ઘણું દબાણ પડે છે. આવી  વિકેટ અને આવા મેદાન પર પ્રદર્શન ઘણું મહત્ત્વપૂર્ણ હોય છે. અમે વધુ સારી કરી શક્યા હોત.”
કેપ્ટન ધોનીએ ડાબોડી સ્પિનર અક્ષર પટેલનો બચાવ કર્યો હતો. અક્ષરે ૧૬મી ઓવરમાં કુલ ૨૨ રન આપ્યા હતા. ધોનીએ કહ્યું, ”અક્ષર સારી બોલિંગ કરી રહ્યો હતો. હું રૈના પાસે બોલિંગ કરાવી શક્યો હોત, પરંતુ પરિસ્થિતિને જોતાં એ વાત ઘણી મુશ્કેલ હતી.”
 
You might also like