ધર્મશાલામાં ટીમ ઇન્ડિયાના ખેલાડી ‘ફોજી’ બનશે

ધર્મશાલાઃ દક્ષિણ આફ્રિકા જેવી મજબૂત ટીમ વિરુદ્ધ બે ઓક્ટોબરથી શરૂ થઈ રહેલી મેરેથોન શ્રેણીને ધ્યાનમાં રાખીને ટીમ ઇન્ડિયા પોતાની તૈયારીઓમાં કોઈ કસર છોડવા માગતી નથી. આના માટે ટીમ ઇન્ડિયા નક્કી કરેલા સમય કરતાં બે દિવસ વહેલી આજથી ધર્મશાલામાં ‘બૂટ કેમ્પ’માં ભાગ લેશે. ટીમ ઇન્ડિયાને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પોતાના અભિયાનની શરૂઆત બે ઓક્ટોબરથી પહેલી ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચથી કરવાની છે.

ટીમ ઇન્ડિયા અગાઉ ૩૦ સપ્ટેમ્બરે અહીં આવી પહોંચવાની હતી, પરંતુ બે દિવસના ‘બૂટ કેમ્પ’ માટે તે હવે ધર્મશાલામાં બે દિવસ વહેલી એટલે કે આજે પહોંચી જશે. હિમાચલ પ્રદેશ ક્રિકેટ સંઘના પ્રવક્તા મોહિત સૂદે આ અંગે કહ્યું, ”કોચિંગ સ્ટાફ સહિત ટીમ ઇન્ડિયા અગાઉ ૩૦ સપ્ટેમ્બરે અહીં આવવાની હતી, પરંતુ બૂટ કેમ્પના આયોજનથી તે હવે આજે એટલે કે ૨૮ સપ્ટેમ્બરે અહીં આવી પહોંચશે. અમે કેમ્પ માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે.”

‘બૂટ કેમ્પ’નો વિચાર ટીમ ઇન્ડિયાના ડિરેક્ટર રવિ શાસ્ત્રીનો છે. જેનું માનવું છે કે આ કેમ્પ આયોજિત કરવાનો ઉદ્દેશ ખેલાડીઓને માનસિક રૂપથી મજબૂત બનાવીને તેની સંઘર્ષ કરવાની ક્ષમતાને વધારવાનો છે. કેમ્પમાં બે દિવસ સુધી બધા ખેલાડી આર્મી સ્ટાઇલમાં ટ્રેનિંગ કરશે. આ કેમ્પમાં ઊંચા સ્થાન પર ટ્રેકિંગ અને અડચણો પાસ કરવાનો કોર્સ પણ સામેલ છે. આ બધું સમુદ્રથી ૭૦૦૦ ફૂટ ઊંચાઈએ આવેલા ધર્મશાલામાં થશે.

બે દિવસીય બૂટ કેમ્પમાં લશ્કરમાં લેફ્ટનન્ટ કર્નલની પદવીથી નવાજાયેલા વન ડે કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેશે, જે થોડા દિવસ પહેલાં આર્મીમાં એક કોર્સ પૂરો કરીને પેરા-જમ્પર બન્યો હતો. ધોની ઓસ્ટ્રેલિયામાં યોજાયેલા વિશ્વકપ પહેલાં પણ ખેલાડીઓ સાથે એક બૂટ કેમ્પ કરી ચૂક્યો છે.

દક્ષિણ આફ્રિકાની ટીમ દિલ્હી પહોંચી

દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમ ભારતના અઢી મહિના જેટલા લાંબા પ્રવાસ માટે ગઈ કાલે દિલ્હી આવી પહોંચી છે. 

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે શ્રેણીની શરૂઆત બે ઓક્ટોબરથી ધર્મશાલામાં પહેલી ટી-૨૦ મેચથી થશે. એ.બી. ડિવિલિયર્સ (વન ડે કેપ્ટન), હાશિમ આમલા (ટેસ્ટ કેપ્ટન) અને ફાફ ડુ પ્લેસિસ (ટી-૨૦ કેપ્ટન) જેવા ખેલાડીઓની હાજરીવાળી દક્ષિણ આફ્રિકાની ટીમ જોહાનિસબર્ગથી ગઈ કાલે બપોર બાદ નવી દિલ્હી આવી પહોંચી હતી. 

You might also like