ધમકી ભર્યા પત્રો લખવામાં અારોપી દંપતીની સંડોવણી હોવાની અાશંકા

અમદાવાદ: ગુજરાત સહિત દેશનાં અન્ય રાજ્યોમાં આસારામ નારાયણ કેસના સાક્ષીઓ પર હુમલાના કેસમાં ક્રાઇમ બ્રાંચે બસવરાજ અને સેજલ પ્રજાપતિની ધરપકડ કરી છે. આરોપીઓએ ૧૭ લોકોની ટીમ બનાવી ગુજરાતમાં પાંચ સાક્ષીઓ પર હુમલા કરાવ્યા હતા. પોલીસને પ્રબળ શંકા છે કે આસારામના ચાંદખેડા બળાત્કાર કેસમાં તપાસ અધિકારી તરીકે તત્કાલીન મહિલા એસીપી કાનન દેસાઇ અને મહિલા પીઆઇ દિવ્યા રવિયાને ધમકીભર્યા પત્રો આ જ આરોપીઓએ લખ્યા હોય તેમ ક્રાઇમ બ્રાંચનાં સૂત્રોએ જણાવ્યું હતું.

આરોપીઓની ક્રાઇમ બ્રાંચે બેંગલુરુથી ધરપકડ કર્યા બાદ પૂછપરછ શરૂ કરાઈ છે. આરોપીઓ અમૃત પ્રજાપતિ પર પણ હુમલો કરવા રાજકોટ ખાતેના તેમના દવાખાનામાં રેકી કરવા દર્દી તરીકે ગયા હતા. ઉપરાંત તેઓએ વડોદરા ખાતે પણ રેકી કરી હતી. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં પાંચ સાક્ષી અખિલ ગુપ્તા ઉપર તેમજ આસારામના પૂર્વ પર્સનલ આસિસ્ટન્ટ રાહુલ સચાણ પર પણ આ જ આરોપીઓએ હુમલા કરાવ્યા હોવાની માહિતી બહાર આવી છે.

આરોપી અર્જુન વકીલ અને પુનિત બંને આસારામના ખાસ માણસ હોવાથી તેઓ આ તમામ સાક્ષીઓની માહિતી મેળવી કયા સાક્ષીઓ પર હુમલો કરવો તેના નામનું લિસ્ટ બનાવતા અને સુનીલ વાનખેડે અને શૈલેન્દ્ર મારફતે બસવરાજને અાપતા અને તે આખા કાવતરાનું આયોજન કરી હુમલો કરાવતા હતા.

You might also like