ધમકીની શરારત : વધુ ૩ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાનો પત્ર મળ્યો

વડોદરા : શહેરના નિઝામપુરા વિસ્તારની જ્ઞાનદીપ સ્કૂલ, મહાવીર સ્કૂલ અને ટીઆર પટેલ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો પત્ર શાળાઓને મળ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૨૦ દિવસમાં જુદા જુદા સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો આ ૧૬મો પત્ર છે પરંતુ શાળાઓમાં ચેકિંગ દરમિયાન કોઇ પણ શંકાસ્પદ વસ્તુ ન મળતાં પોલીસ, વિદ્યાર્થીઓ તથા વાલીઓએ હાશકારો અનુભવ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલી જ્ઞાનદીપ સ્કૂલ, મહાવીર સ્કૂલ અને ટીઆર પટેલ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો પત્ર આજે શાળાના આચાર્યોને મળતાં  પોલીસને જાણ કરવામાં આવી હતી. બોમ્બની ધમકીનો મેસેજ મળતા જ પોલીસ બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સાથે જુદી જુદી ટીમ બનાવી ત્રણેય સ્કૂલમાં પહોંચી ગઇ હતી અને શાળાના વિદ્યાર્થીઓને વર્ગોમાંથી બહાર કાઢી તમામ જગ્યાએ ચેકિંગ હાથ ધર્યું હતું. જોકે, ત્યાંથી કોઇપણ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી.

વડોદરા શહેરમાં છેલ્લા એક મહિનાથી કોઇ ટીખળખોર અથવા સરકારી તંત્ર કે શાળા કોલેજ, બેન્ક, ટ્રેઇનની સિસ્ટમથી ત્રાસી ગયેલા હોય તેવા વ્યક્તિ આ પ્રકારના ધમકીભર્યા પત્ર મોકલી પોલીસને દોડધામ કરાવી પોતે આનંદ લૂંટી રહ્યા છે. કે પછી કોઇ ગંભીર કાવતરાના ભાગરૂપે ધમકીનો સિલસિલો ચાલુ રાખી ‘વાઘ આવ્યો વાઘ આવ્યો’ની થિયરી મુજબ કાવતરાને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે ?

 

આજે  ફરીએકવાર પોલીસ વિભાગને ત્રણ શાળાઓ ઉડાવી દેવાની ધમકીભર્યો પત્ર મળ્યો હતો જેમાં જ્ઞાનદીપ સ્કૂલ, મહાવીર અને ટીઆર પટેલ સ્કૂલનેે બોમ્બ મૂકી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ધમકીને પગલે પોલીસ તંત્ર ફરી એકવાર દોડતું થઇ ગયું હતું અને શાળાના ખૂણે ખૂણે ડોગસ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સઘન તપાસ હાથ ધરી હતી. પરંતુ કોઇ વાંધાનજક ચીજ વસ્તુ મળી નહોતી.

You might also like