દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદ : રાજ્યમાંથી આમ તો ચોમાસાની સિઝન પૂરી થઈ ગયાનું માનવામાં આવે છે. પરંતુ અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે આગામી ત્રણ દિવસમાં દક્ષિણ ગુજરાત રિજિયન, સૌરાષ્ટ્રના દરિયાકાંઠા અને દિવ,દમણ અને દાદરાનગર હવેલીના અમુક વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ પડવાની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ દરમિયાન ઉત્તર ગુજરાત રિજિયન અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાંક ભાગોમાં હવામાન મુખ્યત્વેે સૂકુ રહેશે. દરમિયાન મોડી સાંજે બિલીમોરામાં ગાજવીજ સાથે વરસાદ થતા લોકોેએ રાહત સાથે ઠંડક અનુભવી હતી. હાલ ભાદરવાના અંતિમ દિવસોમાં આકરો તાપ પડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ અરબી સમુદ્રમાં ઉભા થયેલા હવાના હળવા દબાણથી આગામી બે ત્રણ દિવસમાં વાતાવરણમાં ફરી પલટો આવે તેવી અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાકાંઠા અને દિવ,દમણ, દાદરાનગર હવેલીના કેટલાંક ભાગોમાં હળવો કે ભારે વરસાદ થવાની શક્યતા છે.

જોકે છેલ્લાં કેટલાંક દિવસોથી રાજ્યના વિવિધ મહાનગરો સહિત અન્ય શહેરોમાં મહત્તમ તાપમાનમાં વધારો થયો છે. અમદાવાદ સહિત અન્ય શહેરોમાં મહત્તમ તાપમાન વધતા લોકો ગરમીથી અકળાઈ રહયા છે. જોકે હવે સૂર્યાસ્ત વહેલો થતો હોવાથી અને રાત્રે ઠંડક પ્રસરી જતી હોવાથી ટૂંક સમયમાં જ સિઝનમાં ફેરફાર થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

ગરમીના કારણે દિવસે લોકો ભારે અકળામણ અનુભવી રહ્યા છે. આવતીકાલથી  આસો માસ શરૂ થઈ રહયો છે. ત્યારે ધીમેધીમે ગરમીમાં ઘટાડો થશે તેવું લોકો અનુમાન કરી રહ્યા છે.  રાજ્યમાં આજે સૌથી વધુ મહત્તમ તાપમાન સુરેન્દ્રનગર ખાતે ૩૮.૩ ડિગ્રી નોંધાયું હતુ. અમદાવાદમાં ૩૬.૭ ડિગ્રી, ગાંધીનગર ૩૬, વડોદરા ૩૬.૯, સુરતમાં ૩૪.૨, રાજકોટમાં ૩૬.૯ અને ભાવનગરમાં ૩૫.૩ ડિગ્રી, અમરેલીમાં ૩૬.૨, ડીસા ૩૭ અને નલીયા ૩૩.૪, કંડલા બંદર ૩૫.૬ અને કંડલા એરપોર્ટમાં ૩૬.૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતુ.

You might also like