દ.આફ્રિકા સામે પણ આક્રમક રહીશુંઃ શાસ્ત્રી

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ડિરેક્ટર રવિ શાસ્ત્રીનું કહેવું છે કે આગામી મહિને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ શરૂ થઈ રહેલી ઘરેલુ શ્રેણીમાં ટીમ ઇન્ડિયા પોતાની રમતની શૈલીમાં કોઈ ફેરફાર નહીં કરે. શાસ્ત્રીએ કહ્યું કે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પણ ભારત એ જ આક્રમકતાથી રમશે, જેવી આક્રમકતા તેણે શ્રીલંકા વિરુદ્ધ દેખાડી હતી. શાસ્ત્રીની દેખરેખમાં વિરાટ કોહલીના નેતૃત્વવાળી ટીમ ગત મહિને શ્રીલંકાને એની જ ધરતી પર ૨૨ વર્ષ બાદ હરાવવામાં સફળ રહ્યા બાદ શાસ્ત્રીને બીસીસીઆઇએ ભારતમાં આગામી વર્ષે યોજાનાર ટી-૨૦ વિશ્વકપ સુધી ટીમના ડિરેક્ટર તરીકે જાળવી રાખ્યો છે. જોકે શાસ્ત્રીનું માનવું છે કે જીત માટે ભારતીય ટીમને પ્રદર્શનમાં સાતત્યપણું અને ધૈર્ય જાળવી રાખવી જરૂર છે. તેણે કહ્યું, ”દક્ષિણ આફ્રિકાની ટીમ વિશ્વમાં નંબર વન નથી. આફ્રિકાની ટીમ પર દબાણ લાવવા માટે અમારે લાંબા સમય સુધી નિરંતરતા સાથે સારી રમત રમવી પડશે. અમારો આ જ પ્રયાસ રહેશે. અમે અમારી રમતમાં ફેરફાર નહીં કરીએ અને એ જ આક્રમકતા સાથે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ક્રિકેટ રમીશું. ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકામાં ટીમ ઇન્ડિયાના પ્રદર્શનનું અવલોકન કરશો તો તમે જોઈ શકશો કે હાર અને જીત વચ્ચે સાતત્યપણાની ભારે ઊણપ હતી.”

You might also like