દેશમાં સીઈઓના પદે ૮.૯ ટકા મહિલાઓ

મુંબઇઃ દેશમાં કંપનીઓના બોર્ડ અને ટોપ મેનેજમેન્ટના પદ પર મહિલાઓની સંખ્યામાં ખૂબ જ ઝડપથી ઉમેરો થઇ રહ્યો છે. મહિલા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર-સીઇઓના પદે નિમણૂક કરવાના મામલે ભારત દુનિયાના એડ્વાન્સ દેશોમાં ખૂબ જ આગળ છે. ક્રેડિટ સૂઇસના રિસર્ચ રિપોર્ટના જણાવ્યા પ્રમાણે દુનિયાભરની ૩૦૦૦ કંપનીઓના ૨૮ હજાર ટોપ મેનેજમેન્ટના પદના આંકડાના આધારે ભારતમાં સીઇઓ પદ પર મહિલાઓની ભાગીદારી ૮.૯ ટકા છે, જ્યારે વૈશ્વિક ક્ષેત્રે ૩.૯ ટકા છે. વિકસિત દેશ અમેરિકામાં માત્ર ૩.૫ ટકા મહિલાઓ સીઇઓના પદે છે, જ્યારે જર્મની, જાપાન અને ફ્રાન્સ જેવા સમૃદ્ધ દેશોમાં ટકાવારી શૂન્ય છે. બ્રિટનમાં ૫.૧ ટકા મહિલાઓ સીઇઓ પદે છે. રશિયામાં મહિલાઓની ટકાવારી ૨.૪ ટકા, જ્યારે ઓસ્ટ્રેલિયામાં ૪.૫ ટકા છે.રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે મહિલા સીઇઓ પદે નિમણૂક કરવાના મામલે ભારત કરતાં આગળ પોર્ટુગલ, બેલ્જિયમ, સિંગાપોર, નેધરલેન્ડ, હોંગકોંગ, થાઇલેન્ડ અને ઇન્ડોનેશિયા છે. મહિલા સીઇઓ પદે ઓછી સંખ્યાની નિમણૂકના મામલે ક્રેડિટ સૂઇસે ચિંતા વ્યક્ત કરી હતી. રિપોર્ટમાં વધુમાં જણાવ્યું છે કે જે કંપનીઓમાં મહિલાઓ ઉચ્ચ સ્થાને હોય છે તે કંપનીઓનું પર્ફોર્મન્સ પણ ઘણું સારું હોય છે. રિપોર્ટ પ્રમાણે વર્ષ ૨૦૧૦માં કંપનીઓના બોર્ડમાં મહિલાઓની સંખ્યા ૫.૫ ટકા હતી, જ્યારે વર્ષ ૨૦૧૧માં ક્રમશઃ વધીને ૫.૮ ટકા, વર્ષ ૨૦૧૨માં ૬.૨ ટકા અને વર્ષ ૨૦૧૩માં વધીને ૬.૭ ટકા પર પહોંચી હતી.
You might also like