દેશમાં વરસાદની ૧૬ ટકા ઘટ રહેતાં ભીષણ દુષ્કાળનો ખતરો

નવી દિલ્હી : આ વર્ષે નબળા ચોમાસાને કારણે આશરે ત્રણ દાયકાના ત્રણ ભીષણ દુકાળમાં તેનો સમાવેશ થવાની સંભાવના છે. દેશના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ લાંબો સમય ખેંચાતાં મોસમમાં વરસાદની અછત વધીને ૧૬ ટકા થઈ છે. એમ હવામાન ખાતાએ જણાવ્યું છે. ભારતીય હવામાન વિભાગના ડાયરેકટર જનરલ એલ. એસ. રાઠોડે જણાવ્યું હતું કે, જૂન-સપ્ટેમ્બર ચોમાસાનો અંત ૧રથી ૧૪ ટકા અછત સાથે આવે તેવી સંભાવના છે.

તાજેતરના દાયકાઓમાં ર૦૦ર અને ર૦૦૯ને બાદ કરતાં આ સૌથી નબળું ચોમાસુ હોઈ શકે છે.જૂન મહિનામાં આગાહીને ખોટી પાડીને આશાસ્પદ શરૃઆત અને જુલાઈમાં સારા વરસાદ બાદ અલ નિનો ઘટનાને કારણે જુલાઈના અંતથી ચોમાસુ નબળું પડયું છે. તાજેતરનાં દિવસોમાં દક્ષિણ ભારતમાં વરસાદ વધ્યો છે પણ બાકીના મોટા ભાગના વિસ્તારો કોરા રહેતાં ખેડૂતોમાં ચિંતા જન્મી છે. અનિયમિત હવામાનને કારણે મોટા ભાગના ખેડૂતોને છેલ્લી બે પાક મોસમમાં ભારે નુકસાન થયું છે.

રાઠોડે જણાવ્યું હતું કે, પૂર્વ, ઉત્ત્।ર પૂર્વ, દક્ષિણનાં રાજયો અને મહારાષ્ટ્રમાં આગામી દિવસોમાં વરસાદની આગાહી હોવાથી સ્થિતિ થોડી સુધરશે પણ ઉત્તર અને પશ્ચિમ રાજયોમાં સૂકૂં હવામાન રહેશે. હાલની સ્થિતિએ દેશના ૪૪ ટકા ભાગમાં વરસાદની ઘટ છે, પ૦ ટકા વિસ્તારમાં સામાન્ય વરસાદ છે અને ૬ ટકા વિસ્તારમાં વધારે વરસાદ છે. આ સિઝનમાં ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણા જેવા ઉત્તરનાં રાજયોમાં વરસાદની ૪૦ ટકા ઘટ છે.

નબળા ચોમાસાને કારણે જળાશયોમાં પણ પાણીના સ્તર નીચે ગયા છે. ચોમાસુ પૂરું થયા પછી આ જળાશયો સિંચાઇ અને પીવાનું પાણી પૂરું પાડે છે. જળાશયોમાં પાણી ઓછું હોવાથી શિયાળુ પાક સામે ખતરો ઊભો થયો છે. ઘઉં અને રાયડા જેવા શિયાળુ પાક માટે જમીન ભેજવાળી હોવી જોઇએ, શિયાળામાં થોડો વરસાદ જોઇએ અને પાકને સિંચાઇનું પાણી જોઇએ. ઘઉંની વાવણી ઓકટોબરના અંતમાં શરૃ થાય છે.

હવામાનશાત્રીના જણાવ્યા પ્રમાણે સપ્ટેમ્બરમાં ૬.૭ મી.મી.ની દૈનિક સરેરાશ સામે પ.પ મિ.મી. વરસાદ પડયો છે. છેલ્લા તબકકામાં ભારે વરસાદ પડે તો પણ આ ઘટ પૂરી નહીં થઈ શકે ચોમાસાની સિઝનમાં ૧૦ ટકા કે તેનાથી વધુ અછત હોય તો હવામાન શાસ્ત્રીઓ તેને દુકાળનું વર્ષ ગણે છે. જોકે ૩૦ સપ્ટેમ્બરે મોસમ પૂરી થાય ત્યાં સુધી સત્તાવાળાઓ સત્તાવાર રીતે દુકાળની જાહેરાત નહીં કરે. રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી ચોમાસાની વિદાયની શરૃઆત થઇ હતી પણ રાઠોડના જણાવ્યા પ્રમાણે હાલમાં વેધર સિસ્ટમ બની છે અને પશ્ચિમ કાંઠે હળવું દબાણ હોવાથી વરસાદ પડી શકે છે.

You might also like