દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરીની જરૂર આખરે કેમ છે?  

કેન્દ્ર સરકારે વસ્તી ગણતરીના ધાર્મિક આંકડા અચાનક જ જારી કરીને સમગ્ર દેશને ચોંકાવી દીધો છે. એ વાત સમજવી ખૂબ જ મુશ્કેલ છે કે બે વસ્તી ગણતરી વચ્ચે અલગથી ધર્મ સંબંધી આંકડાઓ જાહેર કરવા પાછળનો તર્ક આખરે શું છે? રાજકીય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ કોઇ રૂટિન સરકારી કવાયત નથી.

એવું પણ નથી કે દેશમાં કોઇ જગ્યાએ ધર્મ આધારિત વસ્તી ગણતરીની પૂરજોશમાં માંગ થઇ રહી હતી. જાતિ આધારિત આંકડાઓની જરૂર માગણી કરવામાં આવી રહી છે, પરંતુ આ મુદ્દા પર સરકાર ધ્યાન આપવા ઇચ્છતી નથી અથવા કોઇ ચોક્કસ કારણસર આ માગણીને અવગણવામાં આવી રહી છે. આ તમામ કારણોથી ધર્મ આધારિત વસ્તી ગણતરીની જાહેરાત પાછળનો આશય શંકા જન્માવે તેવો છે. ઉગ્ર હિંદુવાદી નેતાની છાપ ધરાવતા ભાજપના કેટલાક નેતાઓએ તો આ આંકડાઓના આધારે પોતાની રાજનીતિ પણ શરૂ કરી દીધી છે. તેમનું કહેવું છે કે દેશમાં મુસલમાનોની વસ્તી જે ઝડપથી વધી રહી છે તે જોતાં લાગી રહ્યું છે કે નજીકના ભવિષ્યમાં હિંદુઓ લઘુમતીમાં આવી જશે.

રજિસ્ટ્રાર જનરલ એન્ડ સેન્સસ કમિશનર દ્વારા જારી કરવામાં આવેલા આ આંકડાઓ ઉપર એક નજર નાખીએ તો ભારતમાં મુસલમાનોની વસ્તી અપેક્ષા કરતાં પણ વધુ ઝડપથી વધી રહી છે. આ આંકડાઓનું બીજું પાસું એ પણ છે કે મુસ્લિમોની વસ્તીનો વૃદ્ધિ દર હિંદુઓની સરખામણીમાં વધુ ઝડપથી નીચે આવી રહ્યો છે. વર્ષ ૧૯૮૧-૧૯૯૧માં મુસ્લિમોની વસ્તી વધવાનો દર ૩ર.૯ ટકા હતો જે ૧૯૯૧-ર૦૦૧માં ઘટીને ર૯.૩ ટકા અને ર૦૦૧-૧૧ના તાજા આંકડાઓમાં ર૪.૬ ટકા પર પહોંચી ગયો છે. 

બીજી તરફ હિંદુઓની વસ્તી વધવાનો દર વર્ષ ૧૯૮૧-૧૯૯૧માં રર.૮ ટકા હતો જે ૧૯૯૧-ર૦૦૧માં ઘટીને ર૦ ટકા થઇ ગયો અને ર૦૦૧-ર૦૧૧માં ૧૬.૮ ટકા થઇ ગયો.

તમામ આંકડાઓનો ધ્યાનથી અભ્યાસ કરવામાં આવે તો ૧૯૯૧થી ર૦૧૧ સુધીના ર૦ વર્ષમાં હિંદુ વસ્તીના વૃદ્ધિ દરમાં ૬.૦ ટકાની અને મુસ્લિમ વસ્તી વધારાના દરમાં ૮.૩ ટકાનો ઘટાડો નોંધાયો છે. મુસલમાનો ભારતમાં પોતાની વસ્તી વધારવાના પ્રયત્નો કરી રહ્યા છે તે પ્રકારના અવારનવાર થતા આક્ષેપો અને અફવાઓનું આ વાતથી ખંડન થઇ જાય છે.  આ આંકડાઓ પરથી એક વાત તો સ્પષ્ટ થઇ જાય છે કે ભારતના લગભગ દરેક સમુદાયમાં વસ્તી વધારાની ઝડપ ઘટી રહી છે, પરંતુ જે સમાજમાં શિક્ષણ અને વિકાસની ભાગીદારી વધારે છે ત્યાં લોકો એક કે બે બાળકથી જ સંતોષ માની લે છે.

રજૂ થયેલા આંકડાઓની ભીતર ઉતરીએ તો આસામમાં અને એક હદ સુધી પશ્ચિમ બંગાળમાં થતી ઘૂસણખોરી અંગે પણ ચોંકાવનારી માહિતી મળે છે. સુરક્ષા એજન્સીઓના ટોચના અધિકારીઓના મતે આ સમસ્યા અત્યંત ગંભીર છે અને ભારત સરકારે આ મુદ્દે કડક વલણ અપનાવવાની જરૂર છે. જ્યાં સુધી ધર્મ આધારિત વસ્તી ગણતરીની જાહેરાત પાછળના રાજકીય હેતુઓનો સવાલ છે તો હાલ બિહાર વિધાનસભાની ચૂંટણી અને ગુજરાત સહિતના કેટલાક રાજ્યોમાં શરૂ થયેલી અનામત આંદોલનની ચળવળ પણ આ બધાથી પ્રભાવિત થાય તેમ છે. જ્યારે જ્યારે દેશમાં જાતિ સંબંધી સમસ્યા ઉદભવે છે ત્યારે મોટા ભાગના રાજકીય પક્ષો તેનો લાભ લેવા પાછળ લાગી જાય છે.

રાજકીય વિશ્લેષકોના જણાવ્યા અનુસાર ધર્મ આધારિત વસ્તી ગણતરી કરતા જાતિ આધારિત વસ્તી ગણતરી થાય તે ખૂબ જરૂરી છે. ઘણા લોકો જાતિ આધારિત વસ્તી ગણતરીનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે, પરંતુ આ સમયની માગ છે. કેન્દ્ર સરકાર આ મુદ્દે વિચાર કરીને આગળ વધે તો ઘણા નક્કર પરિણામો મેળવી શકે તેમ છે.  

You might also like