દુઃખ હંમેશાં સુખનો હાથ પકડીને આવે છે

આપણા સંસારમાં સુખ અને દુઃખ એકબીજાનો પડછાયો બનીને રહે છે. સુખરૂપી પ્રકાશનો પડછાયો એ દુઃખ અને દુઃખરૂપી પ્રકાશનો પડછાયો એ સુખ. કેમ કે એ દ્વંદ્વ છે. દ્વંદ્વમાં બંને સભ્ય એકબીજાના વિરોધી હોય છે. વળી, એમનાં મુખ સામસામે નથી હોતાં છતાં તેઓ સાથે જ રહે છે. ક્યારેક એમાંના એકનું પ્રભુત્વ વધારે હોય છે ત્યારે બીજાનું પ્રભુત્વ આપોઆપ ઘટી જાય છે અને એમાંના બીજાનું પ્રભુત્વ વધારે હોય ત્યારે એનાથી વિરુદ્ધના એકનું પ્રભુત્વ આપોઆપ ઘટી જાય છે.

આમ છતાં કોઇનું પ્રભુત્વ કાયમી રહેતું નથી. સુખ અને દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં, ટળ્યાં કોઇનાં નવ ટળે, રઘુનાથનાં ઘડિયાં રે.  અહીં એમ કહેવાયું છે કે  સુખ અને દુઃખની મન પર કોઇ અસર ઊભી કરવાની જરૂર નથી. એ તો આવવાનાં અને જવાનાં, કેમ કે એ આપણો જ એક ભાગ છે. એ આવે, વિસામો કરે, નિદ્રા માણે કે જાય તો પણ એ આપણા કર્મના ફળસ્વરૂપે હોવાથી ભોગવવાં જ રહ્યાં. વળી, એ શ્રીહરિનાં ઘડેલાં હોઇ શ્રીહરિની દયા-કૃપા વિના દૂર થઇ શકે નહીં.

પશ્ચાત્તાપ અને શ્રીહરિના નામના સચ્ચાઇપૂર્વકના પોકારથી હરિ-દયા થવાથી દુઃખને દૂર કરી શકાય, પરંતુ સુખ અને દુઃખ એ બંનેની અસરમાંથી મુકત થાઓ તો જ હરિકૃપા થાય. આ હરિકૃપા થાય ત્યારે એ બંને પર સમભાવ પેદા થાય. તેઓ પૈકી ન તો કોઇના પર પ્રેમ કે દ્વેષ હોવો ઘટે, એમ ન તો બચાવ કે ધિક્કાર હોવો ઘટે. એ સિવાય આ જોડીના સભ્યો પર સમભાવ પેદા થશે નહીં એટલે તેઓ જુદા જ અનુભવાશે.

વાસ્તવમાં સુખ અને દુઃખમાં કોઇ ભિન્નતા છે જ નહીં, કોઇ જુદાઇ છે જ નહીં. એ તો મનના રસાસ્વાદમાં જુદાં અનુભવાય છે. આમ, સુખ અને દુઃખની પેલે પાર ન જઇ શકાય ત્યાં સુધી શાશ્વત સુખ મળી શકતું નથી. શાશ્વત સુખ એ તો ખ્યાલ વગરનું સુખ છે, છતાં માત્ર ને માત્ર ન ઓળખી શકાય એવંુ‌ ચિરંજીવી સુખ છે અને એ જ આત્મા કે ચૈતન્ય યા સત્યનું સ્વરૂપ છે, છતાં ભગવાન આ શાશ્વત સુખ કે શાશ્વત આનંદનો પ્રેમાનંદ માણી શકાય એટલા પૂરતો જ પોતાના ભકતમાં અહંકાર રહેવા દે છે, જે ભગવત સુખ કહેવાય છે. 

સુખ કરતાં દુઃખનું મહત્ત્વ વધારે હોવાનું કોઇ અગત્યનું કારણ હોય તો એ છે કે દુઃખમાં આપણા વિચારો ઊર્ધ્વગામી અને હકારાત્મક બની શકે છે. આપણે ખરાબ કર્મોનાં ખરાબ ફળ આરોગી રહ્યા છીએ એવો ખ્યાલ તો આવી પડેલી દુઃખની સ્થિતિમાં જ થઇ શકે છે એટલે નવેસરથી સારાં કાર્યો કરવાની સહજ ઇચ્છા નિર્માણ પામે છે. 

You might also like