દિવાળી-છઠ પર આ વખતે ટ્રેનમાં અનલિમિટેડ રિઝર્વેશન મળશે

નવી દિલ્હીઃ આ વર્ષે છઠ, દુર્ગાપૂજા અને દિવાળીના તહેવારો પર રેલવે તરફથી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ, બિહાર, બંગાળ અને પૂર્વોત્તર તરફ જનારા રૂટ પર ૧૩૧ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે એટલું જ નહીં. સ્પેશિયલ ટ્રેનો ઉપરાંત રેલવે મંત્રાલયે ક્લોન ટ્રેનોની પણ જાહેરાત કરી છે.

લોકપ્રિય ટ્રેનોમાં રિઝર્વેશનની વધુ ડિમાન્ડ થવા પર તેની ક્લોન-ડુપ્લિકેટ ટ્રેનો ચલાવવામાં આવશે એટલે કે જો લોકપ્રિય ટ્રેનોમાં રિઝર્વેશન ફૂલ થઈ જશે તો તેની જ બીજી જ ડુપ્લિકેટ ટ્રેન જાહેર કરીને તેમાં પ્રવાસીઓને સમાવવામાં આવશે. રેલવે મંત્રાલય તરફથી જાહેરાત કરવામાં આવી છે કે જો પંજાબ મેલમાં રિઝર્વેશન ફૂલ થઈ જશે તો તેની પાછળ તુરત જ બીજો પંજાબ મેલ દોડાવવામાં આવશે. આમ, લોકપ્રિય ટ્રેનોમાં રિઝર્વેશનની મર્યાદા અમર્યાદિત થઈ જશે. હાલ ૧૦ લોકપ્રિય ટ્રેનોની ક્લોન ટ્રેન દોડાવવામાં આવશે, જોકે જરૂરિયાત મુજબ તેમાં વધારો-ઘટાડો કરવામાં આવશે.

સંરક્ષણ કર્મચારીને કોઈ પણ કાઉન્ટર પરથી રિઝર્વેશન મળી જશે

સંરક્ષણ કર્મચારી હવે કોઈ પણ કમ્પ્યુટરાઈઝ્ડ રિઝર્વેશન કાઉન્ટર પરથી પોતાની રેલ આઈ ટિકિટ મેળવી શકશે. અગાઉ એવી વ્યવસ્થા હતી કે જ્યાંથી પ્રવાસ શરૂ કરવાનો હોય ત્યાંથી જ ટિકિટ લઈ શકાતી હતી. રેલવેની એક યાદી અનુસાર આવી ટિકિટ પર પ્રવાસ માટે નિર્ધારિત ૧૦ ઓળખપત્રમાંથી કોઈ પણ એક બતાવીને ટિકિટ મેળવી શકશે.

You might also like