દિલ્હી-કટરા વચ્ચે ૬૦૦ કિમી લાંબા એક્સપ્રેસ હાઈ વેનું નિર્માણ થશે

નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં ચાર ધામ માટે હાઈ વે કનેક્ટિવિટીની જાહેરાત કર્યા બાદ હવે નરેન્દ્ર મોદી સરકાર નવી દિલ્હી અને કટરા વચ્ચે ૬૦૦ કિલોમીટર લાંબો એક્સપ્રેસ હાઈ વે તૈયાર કરનાર છે અને અા માટેની દરખાસ્ત ટૂંક સમયમાં રજૂ કરવામાં અાવશે. જમ્મુ અને કાશ્મીરમાં કટરા સ્થિત માતા વૈષ્ણોદેવીના પવિત્ર યાત્રાધામનાં દર્શનાર્થે જતા યાત્રિકોની સુગમતા માટે નવી દિલ્હી અને કટરા વચ્ચે ૬૦૦ કિલોમીટર લાંબા એક્સપ્રેસ હાઈ વેનું નિર્માણ કરવામાં અાવશે. 

માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ભારતનો અા સૌથી લાંબો એક્સપ્રેસ હાઈ વે હશે. અા એક્સપ્રેસ હાઈ વે હરિયાણા, પંજાબ અને જમ્મુ કાશ્મીરમાંથી પસાર થશે જેમાં રૂ. ૧૫ હજાર કરોડનો ખર્ચ કરવામાં અાવશે. 

અા એક્સપ્રેસ હાઈ વે માટે ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવા એક કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં અાવી રહી છે. અા હાઈ વેના નિર્માણના પગલે દિલ્હી અને શ્રીનગર વચ્ચેની કનેક્ટિવિટી વધશે. અા ઉપરાંત જમ્મુ અને કાશ્મીરમાં શ્રીનગર સાથે એક નેશનલ હાઈ વેનું નિર્માણ થઈ રહ્યું છે એવું એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું. 

અત્રે ઉલ્લેખનીય છે કે સમુદ્રની સપાટીથી ૮૭૫ મીટર ઉંચાઈએ અાવેલ કટરા જમ્મુથી ૪૨ કિલોમીટર દૂર છે. નવી દિલ્હી અને કટરા વચ્ચે એક્સપ્રેસ હાઈવેનું નિર્માણ થવાથી નવી દિલ્હી અને કટરા વચ્ચેનું અંતર પાંચથી છ કલાક જેટલું ઘટી જશે. અા પ્રોજેક્ટ પાછળ ૪૦ ટકા ખર્ચ સરકાર વહન કરશે. સરકારે ૧૦૦૦ કિલોમીટર લાંબા એક્સપ્રેસ વેના નિર્માણ માટેના પ્લાનને મંજૂરી અાપી છે જેની પાછળ રૂ. ૧૬૬૮૦ કરોડનો ખર્ચ થશે.

You might also like