દિલ્હીમાં હાર્દિકની 'પટેલ નવનિર્માણ સેના'ની જાહેરાત કરી   

નવી દિલ્હીઃ ત્રણ માસ પૂર્વે ગુજરાતમાં શરૂ થયેલું પાટીદાર અનામત આંદોલન હવે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક પર પગરણ માંડી રહ્યું છે. આજે અચાનક આ આંદોલનને હાર્દિક પટેલે નવો મોડ આપ્યો છે. અણધારી અને અચાનક જાહેરાતો માટે જાણીતા હાર્દિકે આજે પટેલ નવનિર્માણ સેનાની સત્તાવાર જાહેરાત કરી છે. હાર્દિકે કહ્યું કે, આ બિનરાજકીય સંગઠન છે તેથી દેશના તમામ પાટીદારોના હક માટે લડાઈ લડશે. આ સાથે હાર્દિકે નીતિશકુમારને પણ સમર્થન જાહેર કર્યું છે. 

પટેલ નવનિર્માણ સેનાની જાહેરાત કરવા માટે હાર્દિક પટેલે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેણે નીતિશકુમારને સમર્થન જાહેર કહ્યું હતું કે, નીતિશકુમાર એક કુર્મી નેતા છે તેથી તેમને રાજકીય રીતે નહીં પરંતુ સમાજ માટે તેમને સમર્થન જાહેર કર્યું છે. આ સિવાય હાર્દિકે કહ્યું હતું કે, સમગ્ર દેશમાં વસતાં 27 કરોડ પાટીદાર, કુર્મી, મરાઠા તેમજ ગુર્જરોને એક છત્ર નીચે લાવીને ભારતને વિશ્વસત્તા બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. 

ગુજરાત બાદ હવે ઉત્તરપ્રદેશ, બિહાર, દિલ્હી, રાજસ્થાન, ઉત્તરાખંડ, ઝારખંડ, છત્તીસગઢ, વેસ્ટ બંગાળ, ઓરિસા, કેરાલા, આંધ્રપ્રદેશ, આસામ, હરિયાણા રાજ્યોમાં સંગઠન તૈયાર થઇ ગયા છે. ત્યારે હાર્દિકે જણાવ્યું હતું કે, પટેલ નવનિર્માણ સેનામાં અત્યાર સુધીમાં સમગ્ર દેશમાંથી કુલ 8 લાખ 90 હજાર લોકો જોડાયા છે.  ૧૮ રાજ્યોના બનેલાં પાટીદાર સંગઠન-પટેલ નવનિર્માણ સેના, જેની આજે સત્તાવાર જાહેરાત બાદ હાર્દિક પટેલ તેનો રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યો છે. 

હાર્દિક પટેલના આજે રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ ગુજરાતના આંદોલનના સમર્થનમાં ભારતનાં તમામ રાજ્યો હવે સમર્થન રેલી યોજશે, જેમાં કિસાન રેલી, જવાન રેલી, મજદૂર રેલી, મહિલા રેલી, યુવા રેલી વગેરે રેલી યોજાશે.

ગુજરાતમાં છેલ્લા ત્રણ માસથી ચાલી રહેલું પાટીદાર અનામત આંદોલન ‘પાસ’ હવે રાષ્ટ્રીય ફલક પર પગરણ માંડી રહ્યું છે ત્યારે ‘પાસ’ને હવે થનારી નવરચિત પટેલ નવનિર્માણ સેનામાં મર્જ કરી દેવામાં આવશે. આજથી પાસ દ્વારા લડાતી ગુજરાતની તમામ કામગીરી હવે પટેલ નવનિર્માણ સેનાના નામે થશે.

You might also like