દિલ્હીમાં રેસ્ટોરાં મોડી રાત સુધી ખુલ્લી રાખવાના પક્ષમાં પર્યટન પ્રધાન

નવી દિલ્હીઃ દિલ્હીમાં દારૂ પીવાની કાયદાકીય ઉંમર ૨૫ વર્ષથી ઘટાડીને ૨૧ વર્ષ કરવાની વકીલાત કરી રહેલા પર્યટન પ્રધાન ક‌િપલ મિશ્રાઅે કહ્યું કે તેઅો રાજધાનીમાં રેસ્ટોરાંને એક વાગ્યાથી મોડી રાત સુધી ખુલ્લી રાખવાના પક્ષમાં છે. વર્તમાનમાં સરકારી સમય સીમા મુજબ રેસ્ટોરાંને એક વાગ્યાથી વધુ સમય માટે ખુલ્લી રાખી શકાતી નથી. 

મિશ્રા નેશનલ રેસ્ટોરન્ટ એસો‌િસયેશન અોફ ઇન્ડિયાના પર્યટનને પ્રોત્સાહન અાપવાના પ્રસ્તાવ પર ચર્ચા કરી રહ્યા હતા. મિશ્રાઅે કહ્યું કે મારી પાસે નેશનલ રેસ્ટોરન્ટ એસો‌િસયેશન અોફ ઇન્ડિયાના પ્રસ્તાવ અાવ્યા હતા. હું કાર્યવાહી માટે લેખિતમાં અા પ્રસ્તાવની રાહ જોઈ રહ્યો છું. મને લાગે છે કે રેસ્ટોરાં ખુલ્લી રાખવાનો સમય વધારવો જોઈઅે, તેનાથી માત્ર ઇન્ડસ્ટ્રીઝને નહીં, પરંતુ મોડી રાત્રે કામ પરથી પાછા ફરનારા લોકોને પણ ફાયદો થશે.

પ્રસ્તાવ પર લોકોની ચહલપહલ વધતાં પ્રસ્તાવ પણ સુરક્ષિત રહેશે, જે અત્યારે બિલકુલ સૂમસામ દેખાય છે. અમે િવચારી રહ્યા છીઅે કે અા પ્રસ્તાવમાંથી કયા પ્રસ્તાવ પર અમલ કરી શકાય. 

એનઅારઅેઅાઈના પર્યટન પ્રધાને ટ્રાયલ માટે ત્રણ મહિના રેસ્ટોરાં ખોલવાની મર્યાદા દોઢ વાગ્યાથી વધારીને અઢી વાગ્યા સુધી કરવાનો પ્રસ્તાવ મૂક્યો. એનઅારઅેઅાઈના સેક્રેટરી જનરલ પ્રફુલ્લ કુમારે કહ્યું કે એક્સાઈઝ લાઈસન્સ અમને એક વાગ્યા સુધી દારૂ પીરસવાનો અધિકાર અાપે છે અને પોલીસ લાઈસન્સ મુજબ અમે એક વાગ્યા સુધી રેસ્ટોરાં ખુલ્લી રાખી શકીઅે છીઅે. તેનો મતલબ અે છે કે એક વાગ્યે રેસ્ટોરાં બંધ કરી દેવાની અને તેમાં કોઈ સ્ટાફ ન હોવો જોઈઅે. તેના કારણે અમારે રેસ્ટોરાં બંધ કરવાની તૈયારી થોડા સમય પહેલાં શરૂ કરી દેવી પડે છે.

ક‌િપલ મિશ્રાઅે કહ્યું કે મને દુકાનદારો તરફથી પ્રસ્તાવ મળ્યા કે તેઅો નિયમિત બજારની મર્યાદા ઉપરાંત પણ પોતાના નાના સ્ટોલ અને નાની દુકાનો ખુલ્લી રાખવા ઇચ્છે છે. જ્યારે અાપણે નાઈટ લાઈફની વાત કરીઅે છીઅે તો લોકોના માઈન્ડમાં સૌથી પહેલાં ક્લબ અને પબ અાવે છે. અાવામાં અાપણે દિલ્હીના પરંપરાગત ચહેરાને પણ પ્રોત્સાહન અાપવું જોઈઅે. અા મુદ્દે અમે બહુ જલદી કંઈક નિર્ણય લઈશું.

જોકે ભાજપના ધારાસભ્ય વિજેન્દ્ર ગુપ્તાઅે મિશ્રાની વાતનો વિરોધ કરતાં કહ્યું છે કે ભાજપ ક્યારેય નાઈટ લાઈફને પ્રોત્સાહન અાપવાનો નિર્ણય નહીં લે. નાઈટ લાઈફનો અર્થ અે છે કે અાપે અપરાધીઅોને અાઝાદી અાપી રહ્યા છીઅે.

 

You might also like