દિલ્હીમાં આજે કેજરીવાલ-નીતીશ એક જ મંચ પર જોવા મળશે

નવી દિલ્હીઃ બિહાર વિધાનસભાની ચૂંટણીના સંદર્ભમાં હવે બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમાર અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ વચ્ચે દોસ્તી વધુ ગાઢ બની રહી છે અને બિહારમાં મોદીના પક્ષ ભાજપને હરાવવા માટે બંને વધુ નીકટ આવી રહ્યા છે. આ અગાઉ પણ નીતીશકુમાર અને કેજરીવાલે જાહેર મંચ પરથી એકબીજાને ખુલ્લેઆમ સમર્થન આપ્યું છે. આજે દિલ્હીની કોન્સ્ટિટ્યૂશન ક્લબમાં બપોરે ૩.૦૦ કલાકે આમ આદમી પાર્ટીએ બિહાર સન્માન સમારોહનું આયોજન કર્યું છે, જેમાં બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમાર પણ હાજર રહેશે અને પ્રવાસી બિહારીઓને સંબોધન કરશે.

એ‍વા પણ અહેવાલો છે કે અરવિંદ કેજરીવાલ બિહારમાં નીતીશકુમાર- લાલુ યાદવના મહાગઠબંધન માટે  ચૂંટણી પ્રચાર માટે પણ જઈ શકે છે.  આ કાર્યક્રમમાં પૂ્ર્વાંચલ સાથે સંકળાયેલા આપના ૧૨ ધારાસભ્યો પણ હાજર રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે બિહાર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન નીતીશકુમાર વચ્ચે રાજકીય યુદ્ધ શરૂ થઈ ગયું છે. બિહારનો ચૂંટણી જંગ જીતવા નીતીશકુમારે એક નવા રાજકીય સાથી તરીકે અરવિંદ કેજરીવાલનો ટેકો મેળવ્યો છે. જદ(યુ)ના નેતા કે.સી. ત્યાગીએ જણાવ્યું છે કે કેજરીવાલ અને તેમનો પક્ષ નીતીશકુમારના સમર્થનમાં છે અને માટે બિહારમાં કેજરીવાલ ચૂંટણીસભાઓને સંબોધશે.

You might also like