દિલ્હીના મેટ્રો સ્ટેશન પર યુવાને ખુદને ગોળી મારતાં ચકચાર

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાનીની લાઇફ લાઇન ગણાતી દિલ્હી મેટ્રોની સુરક્ષામાં મોટા છીંડા હોવાનો મામલો બહાર આવ્યો છે. દિલ્હીમાં મોડી રાત્રે સૌથી વ્યસ્ત એવા રાજીવ ચોક મેટ્રો સ્ટેશનમાં એક યુવાને ખુદને ગોળી મારી હતી. આ ઘટના બાદ આ યુવાનને રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

અહેવાલો અનુસાર સ્વયંને ગોળી મારનાર રર વર્ષીય યુવાન શીબેશ યુપીના ફતેહપુરનો રહેવાસી છે. શીબેશે ચાંદની ચોક મેટ્રો સ્ટેશનથી ટ્રેન પકડી હતી અને નોયડા જઇ રહ્યો હતો. રાજીવ ચોક મેટ્રો સ્ટેશન પર ટ્રેન બદલી વતે તે પ્લેટફોર્મ પર એક બાજુ ઉભો રહી ગયો હતો અને સ્વયં પર ગોળી ચલાવી બેઠો હતો. તેણે પોતાના મસ્તકને ગોળીથી વીંધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નિશાન ચૂકી જતાં ગોળી તેના ખભે વાગી હતી.

આ ઘટનાને પગલે દિલ્હી મેટ્રોના સુરક્ષા તંત્ર સામે અનેક વેધક સવાલો ઊભા થયા છે. ગોળીબારનો અવાજ સાંભળીને સીઆઇએસએફના જવાનો એ યુવાન પાસે દોડી ગયા હતા અને પોલીસને જાણ કરીને ઘાયલ યુવાનને હોસ્પિટલ ખાતે મોકલી દેવાયો હતો.

આ ઘટનાના પગલે સૌથી ચિંતાજનક પ્રશ્ન એ સર્જાયો છે કે આખરે આ યુવાન મેટ્રો સ્ટેશનની અંદર રિવોલ્વર લઇ જવામાં સફળ કઇ રીતે થયો? આ ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.

You might also like