દિનેશ કાર્તિક અને દીપિકા પલ્લીકલ આજે લગ્નના બંધનમાં બંધાશે 

નવી દિલ્હીઃ ભારતની બે મશહૂર રમત અને ખેલાડી આજે લગ્નના બંધનમાં બંધાઈ જશે. ભારતીય વિકેટકીપર દિનેશ કાર્તિક અને સ્ક્વોશ ખેલાડી દીપિકા પલ્લીકલ આજે લગ્નના બંધનમાં બંધાવાના છે, પરંતુ આ લગ્ન એક નહીં, બલકે બે વાર થશે. દિનેશ કાર્તિક હિન્દુ છે, જ્યારે દીપિકા ઈસાઈ સમુદાય સાથે સંબંધ ધરાવે છે. આ કારણે આજે પહેલાં ઈસાઈ રીત-રિવાજ મુજબ લગ્ન થશે, ત્યાર બાદ ૨૦ ઓગસ્ટે હિન્દુ રીત-રિવાજ પ્રમાણે લગ્ન થશે.

દીપિકાના પિતા સંજીવ જ્યોર્જે લગ્ન અંગે વાત કરતાં કહ્યું, ”બંનેનાં લગ્ન ચેન્નઈમાં થશે. ત્યાર બાદ બંને ચેન્નઈમાં જ પોતાનું ઘર વસાવશે. પહેલા દિવસે દીપિકા સફેદ ગાઉનમાં નજરે પડશે, જ્યારે ૨૦ ઓગસ્ટે હિન્દુ રીતરિવાજથી લગ્નના દિવસે તેલુગુ લગ્નમાં પહેરાતી પીળા રંગની પરંપરાગત સાડીમાં જોવા મળશે.”

આ બંને ખેલાડીઓની સગાઈ વર્ષ ૨૦૧૩માં થઈ હતી. દિનેશના ભારતીય ટીમના મિત્રો લગ્નમાં ભાગ નહીં લઈ શકે, કારણ કે ટીમ ઇન્ડિયા હાલમાં શ્રીલંકાના પ્રવાસે છે, પરંતુ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની, સુરેશ રૈના અને રવીન્દ્ર જાડેજા જેવા ખેલાડીઓ આ લગ્નમાં પહોંચે તેવી શક્યતા છે. 

દિનેશ કાર્તિકનાં આ બીજાં લગ્ન છે. ૨૦૦૭માં દિનેશે પોતાની બાળપણની મિત્ર નિકિતા સાથે લગ્ન કર્યાં હતાં, પરંતુ મુરલી વિજય સાથે નિકિતાના કહેવાતા અફેરને કારણે એ લગ્ન તૂટી ગયાં હતાં.

You might also like