દાઉદ સંબંધિત ૧૦૦૦ કરોડના હવાલા રેકેટનો થયેલો પર્દાફાશ

કોલકાતા : આવકવેરા વિભાગે લોટરી અને હવાલા ડીલરો સામે કાર્યવાહી કરીને કોલકાતા અને તેની આસપાસના વિસ્તારોમાં દરોડા પાડીને રૂ.૪૫ કરોડથી વધુની રોકડ રકમ જપ્ત કરી હતી. દાઉદ ઈબ્રાહિમની ગેંગને ગેરકાયદેસર રીતે આ માધ્યમથી નાણાં પહોંચતા હોવાની શંકાને આધારે આ દરોડા પાડવામાં આવ્યા હતા. સૂત્રો મુજબ આ કૌભાંડ રૂ.૧૦૦૦ કરોડનું હોઈ શકે છે અને તેમાં સંડોવાયેલા કેટલાક લોકોની તપાસ થઈ શકે છે.

આ નાણાંનો ઉપયોગ હવાલા સોદામાં તો કરવામાં આવે છે કે કેમ અને પછી તે નાણાંનો મની લોન્ડરિંગ પ્રવૃત્તિમાં ઉપયોગ કરાય છે તેની એજન્સીઓ તપાસ કરી રહી છે.   આ કહેવાતા નકલી લોટરી રેકેટ અંગે ગુપ્તચર બ્યૂરો પાસેથી મળેલી માહિતીને આધારે કોલકાતા અને તેની આસપાસના વિસ્તારોમાં આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ રેકેટના તાર તમિળનાડુ સાથે જોડાયેલા હોવાનું મનાય છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે હવાલા મારફતે આ નાણાં દુબઈ મોકલવામાં આવનાર હતા તેના થોડાક સમય અગાઉ જ આ રકમ જપ્ત કરવામાંઆવી હતી. સૂત્રોએ કહ્યું કે કોલકાતા આવકવેરા વિભાગની તપાસ શાખાના નેતૃત્વમાં શહેરમાં બે સ્થળોએથી ૧૬  થેલા, ૨૭ બેગ અને બે તિજોરીઓમાં ભરીને રાખવામાં આવેલી રૂ.૪૫ કરોડથી વધુની રકમ જપ્ત કરવામાં આવી હતી.

તપાસકર્તાઓએ અત્યાર સુધીમાં ૪૫ કરોડની રકમની ગણતરી કરી છે. આ રકમ ૫૦થી ૫૫ કરોડ સુધીની હોઈ શકે. એસટીએફ અને બેંક ફ્રોડ અટકાયતી શાખાના અધિકારીઓએ શહેરમાં પાંચ સ્થળોએ દરોડામાં આવકવેરા વિભાગની મદદ કરી હતી. પોલીસ અધિકારીએ કહ્યું હતું કે ન્યૂ અલીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાર સ્થળો અને શરદ બોઝ રોડ પર એક સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા.  

You might also like