દરેક કોસ્ટાર સાથે કામ કરવાની મજા આવીઃ આલિયા

માત્ર 22 વર્ષની ઉંમર, ત્રણ વર્ષની કરિયર અને ચાર ફિલ્મો. બસ, આટલામાં જ આલિયા ભટ્ટ આજે ઇન્ડસ્ટ્રીની સ્ટાર અને નિર્માતા-નિર્દેશકોની ફેવરિટ બની ચૂકી છે. પોતાની ફિલ્મો માટે કેટલાય એવોર્ડ જીતી ચૂકેલી આલિયાની ઝોળીમાં આજે ‘શાનદાર’, ‘ઊડતા પંજાબ’ અને ‘કપૂર એન્ડ સન્સ’ જેવી ફિલ્મો છે. તે સોશિયલ નેટવ‌ર્કિંગ સાઇટ્સ અને પબ્લિક ઇવેન્ટ્સમાં ખૂબ જ સક્રિય રહે છે. શાનદાર ફિલ્મમાં તે પહેલી વાર બિકિનીમાં જોવા મળશે. વિકાસ બહલની ‘શાનદાર’ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને શાહિદ કપૂરે ખૂબ ડાન્સ કર્યો છે. આલિયા કહે છે, ફિલ્મના પ્રમોશનમાં હજુ વધુ ડાન્સ થશે. 

અત્યાર સુધી કયા કોસ્ટાર સાથે કામ કરવાની મજા આવી તે સવાલના જવાબમાં આલિયા કહે છે, મને તો મારા દરેક કોસ્ટાર સાથે કામ કરવાની મજા આવી, પરંતુ મારી જોડી કોની સાથે બેસ્ટ રહી તે અંગેનો નિર્ણય દર્શકોને લેવા દો. ‘કોફી વિથ કરણ’માં થયેલી આલિયાની ભૂલને લોકો છોડી રહ્યા નથી. આ માટે આલિયા કહે છે કે આ બાબત હવે મારી જિંદગીનો એક ભાગ બની ચૂકી છે અને તેના માટે હું તૈયાર છું. આ બધી વસ્તુઓ હવે જિંદગીભર મારી સાથે ચાલશે. કરીના કપૂર સાથેના સંબંધો અંગે વાત કરતાં તે કહે છે કે અમે એક ચેનલ માટે શૂટિંગ કરી રહ્યાં હતાં ત્યારે કરીના અચાનક જ ત્યાં આવી ચડી. તે નજીકમાં જ કોઇ એડ્ માટે શૂટિંગ કરી રહી હતી. તે અમારા બધાં માટે આઇસક્રીમ લઇને આવી હતી. અમે ઘણો સમય સાથે વિતાવ્યો.

 

You might also like