દક્ષિણ આફ્રિકામાં ગુજરાતી યુવકની ગળુ કાપી નિર્મમ હત્યા

આણંદ: વિદેશમાં વસતા ગુજરાતીઓ પર છેલ્લા કેટલાક સમયથી જીવલેણ હુમલાઓ થવાના બનાવો વધી રહ્યાં છે ત્યારે દક્ષિણ આફ્રિકામાં ગત બુધવારે વધારે એક ગુજરાતી મૂળના યુવકની નિર્મમ હત્યા કરી નાંખી. દક્ષિણ આફ્રિકામાં છેલ્લા દસ વર્ષથી પ્રોવિઝન સ્ટોર ધરાવતાં મૂળ આણંદના યુવકની ચાર હત્યારાઓએ તેના સ્ટોરમાં ઘુસીને ગળુ કાપીને હત્યા કરી હતી. 

આણંદનો બિરેન પટેલ છેલ્લા 10 વર્ષથી દક્ષિણ આફ્રિકામાં વસવાટ કરતો હતો. બુધવારે તે જ્યારે શોપ પર એકલો હતો તે વખતે કેટલાક સ્થાનિક લુંટારાઓએ તેની દુકાનમાં ઘુસી જઇને શટર પાડી દીધું હતું અને બિરેનના હાથ પગ બાંધી દીધા હતા. બાદમાં તેણે તીક્ષ્ણ હથિયારના ઘા મારીને બિરેનને મરવા છોડી દીધો હતો. આ ઘટનાને અંજામ આપ્યા બાદ તમામ લુંટારૂઓ ફરીથી શટર બંધ કરીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. બીજા દિવસે જ્યારે ગ્રાહકોની ભીડ જામી તે છતાં તેણે દુકાન ન ખોલતાં સ્થાનિક લોકોએ તપાસ કરાવી હતી. જ્યાં તેમને બિરેન લોહીલુહાણ હાલતમાં તેમજ હાથપગ બાંધેલી અવસ્થામાં જોવા મળ્યો હતો.  

બનાવની જાણ થતાં જ પોલીસ અને એમ્બુલેન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. બિરેનને બે દિવસ સુધી આઇસીયુમાં રાખ્યા બાદ શુક્રવારે મોડી રાત્રે તેનું મોત થયું હતું. સ્થાનિક પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે એનઆરઆઈ યુવકની હત્યામાં સંડોવાયેલા બે યુવકની ધરપકડ કરી છે. જોકે, તેઓએ હત્યા ક્યાં કારણોસર કરી છે ? તે અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

You might also like