થલતેજ અંડરપાસના કાંગરા ખરી રહ્યા છે!

અમદાવાદના સરખેજ ગાંધીનગર હાઈ-વે પરના થલતેજ અંડરપાસમાં લોખંડના તાર સાથે ગોઠવાયેલા પથ્થરો હવે જોખમકારક બની રહ્યા છે. બ્રિજ નિર્માણના માત્ર એક વર્ષના સમયગાળા બાદ આ અંડરબ્રિજના લોખંડના તાર તૂટી રહ્યા છે, જેના કારણે તાર સાથે ફિટ કરાયેલા પથ્થરો નીચે સરકી રહ્યા છે અને રસ્તા પર આવી રહ્યા છે. રસ્તા પર પડેલા આવા મોટા પથ્થરોથી અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.

૬૪ કરોડના ખર્ચે તૈયાર થયેલા આ બ્રિજના નિર્માણની ખામીઓ એક વર્ષમાં જ છતી થઈ રહી છે. આ અંડરબ્રિજને આકર્ષક અને સરવાળે સસ્તો બનાવવા અનોખો પ્રયોગ કરાયો હતો. જે માટે બ્લેક પથ્થરોને લોખંડની જાળીમાં લાઇનબંધ ગોઠવીને પ્રોટેક્શન વૉલ બનાવવામાં આવી હતી. જોકે હવે લોખંડની જાળીના સળિયા તૂટી રહ્યા છે. ઉપરાંત ભારે વરસાદને કારણે ફિટ કરાયેલા પથ્થરો પણ ખસી રહ્યા છે.

જ્યાંથી જાળી તૂટી હોય ત્યાંથી આવા નાના-મોટા પથ્થરો બહાર સરકીને રોડ પર આવી રહ્યા હોવાથી પસાર થતાં વાહનો માટે તે જોખમકારક સાબિત થઈ રહ્યા છે. આ અંગે રોડ એન્ડ બિંલીડીંગ વિભાગના અધિક સચિવ એન.કે. પટેલ કહે છે, ‘અંડરબ્રિજમાં કોઈ સ્થળે ખામી કે ડેમેજ થયું હશે તેનું તાત્કાલિક ધોરણે સમારકામ કરી દેવામાં આવશે.’

 

You might also like