ત્રાસવાદી નાવેદની કસ્ટડી બે સપ્તાહ વધારવા નિર્ણય

જમ્મુઃ જમ્મુની ખાસ એનઆઈએ અદાલત દ્વારા હાલમાં જીવિત ઝડપાઈ ગયેલા આતંકવાદી નાવેદની કસ્ટડીને ૧૪ દિવસ સુધી વધારવાનો નિર્ણય કરાયો છે. નાવેદની પૂછપરછનો દોર યથાવત રીતે ચાલી રહ્યો છે. સત્તાવાર સૂત્રોએ માહિતી આપતા કહ્યું છે કે, નાવેદને કોર્ટમાં સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રજુ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને કસ્ટડીમાં હજુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એનઆઈએના વકીલે માહિતી આપતા કહ્યું હતું કે, પાંચમી ઓગસ્ટના દિવસે ઉધમપુરમાં કરવામાં આવેલા આતંકવાદી હુમલામાં વધુ તપાસ કરવા માટે નાવેદની વધુ કસ્ટડીની જરૂર છે.  

ઉધમપુરના આતંકવાદી હુમલામાં પાકિસ્તાનની સંડોવણીની સાબિતીઓ નષ્ટ કરવા માટે લશ્કર-એ-તોયબા દ્વારા નાવેદને ખતમ કરવાનો પ્રયાસ કરવામાં ન આવે. એ માટે કોર્ટમાં લોકોનો ધસારો ટાળવા સ્પેશ્યલ એનઆઈએ જજને સવારે સાત વાગ્યે કોર્ટ ખોલાવીને સુનાવણી હાથ ધરવાની વિનંતી કરવામાં આવી હતી. કડક સલામતી બંદોબસ્ત વચ્ચે નાવેદને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે એનઆઈએના અધિકારીઓએ જજ પાસે ઊંડી તપાસ કરવા માટે તેની કસ્ટડી માગી હતી. પાકિસ્તાનના ફૈઝલાબાદના વતની નાવેદને વધુ પૂછપરછ માટે દિલ્હી લઈ જવામાં આવે એવી શકયતા આધારભૂત સૂત્રોએ દર્શાવી હતી.

આ આતંકવાદી હુમલા દરમિયાન નાવેદને જીવિત પકડી લેવામાં આવ્યો હતો. ઉધમપુરમાં કરવામાં આવેલા ત્રાસવાદી હુમલામાં ભારે ખળભળાટ મચી ગયો હતો. સુત્રોએ કહ્યું છે કે, નાવેદને રાજ્યની બહાર બ્રેઈન મેપિંગ માટે લઈ જવાશે. નાવેદને અગાઉ શ્રીનગરથી જમ્મુ લાવવામાં આવ્યો હતો, જ્યાં તપાસકારોએ અન્ય બે લોકોની ધરપકડ કરી હતી. અન્ય ત્રણ લોકોને પૂછપરછ માટે અટકાયતમાં પણ લીધા હતા.

 

You might also like