…ત્યારે અમેરિકા છોડીને ભારત પાછી આવી ગઈ હતી

હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘દિલ ધડકને દો’માં પોતાની અનોખી અદાથી દર્શકોના દિલ ધડકાવનાર પ્રિયંકા દરેક વખતે કંઈક અલગ કરતી રહે છે. હવે હોલીવૂડ ધારાવાહિક ‘ક્વાન્ટિકો’માં મુખ્ય રોલ નિભાવનાર પ્રિયંકા ચોપરા સાથે પ્રથમ વાર વાતચીત…

હંમેશાં કંઈક નવું કરતી રહે છે ત્યારે આ અંગે લિસ્ટ બનાવી રાખ્યું છે? હું કંઈક નવું કરીને મારી જાતને પણ સરપ્રાઈઝ કરું છું. હું ક્યારેય કામનું લિસ્ટ નથી બનાવતી, પરંતુ ભાગ્યમાં વિશ્વાસ રાખું છું. ભાગ્યમાં જે લખ્યું હોય તે જ થાય છે. કામમાં ખૂબ જ મહેનત અને ૧૦૦ ટકા ચીવટ રાખું છું. દરેક તકને કેવી રીતે ઝડપવી તે તમારા પર નિર્ભર કરે છે.

‘ક્વાન્ટિકો’નું ટ્રેલર પસંદ કરાઈ રહ્યું છે. વિદેશમાં તારા દર્શકો અને ખ્યાતિમાં વધારો થશે?હજુ એક એપિસોડ પ્રોમો તરીકે શૂટ કરાયો છે, જે આજકાલ લોકો નેટ પર જોઈ રહ્યા છે, પરંતુ તેના રિસ્પોન્સથી હું ખુશ છું. ધારાવાહિક સપ્ટેમ્બર સુધી ઓન એર થઈ જશે. હાલ ‘બાજીરાવ મસ્તાની’ અને ‘ગંગાજલ-ટુ’ના શૂટિંગમાં વ્યસ્ત હોઈ જુલાઈથી ત્યાં સિરીઝ શૂટ કરવા જઈશ. હિન્દી સિનેમાને લીધે ત્યાં મને ખૂબ જ લોકચાહના મળી છે. આપણી ફિલ્મોની પહોંચ વિદેશમાં જોઈને હું દંગ રહી જાઉં છું. ફિલ્મ ફેસ્ટિવલ, શો કોન્સર્ટ, ત્યાંના સ્ટાર્સ અને આર્ટિસ્ટને મળીએ ત્યારે જાણ થાય કે આપણે કેટલા પોપ્યુલર છીએ.

વિદેશમાં ક્યારેય જાતિવાદનો સામનો કરવો પડ્યો છે?સ્કૂલના દિવસોમાં અનુભવ થયો હતો. હું અભ્યાસ માટે થોડાંક વર્ષો અમેરિકા ગઈ હતી, જ્યાં બધા મને બ્રાઉની કહીને બોલાવતા હતા, એટલે અમેરિકા છોડીને પાછી ભારત આવી ગઈ હતી. દરેક ભારતીયને એક જ રૃપે સ્વીકારાય છે કે તેઓ માથું હલાવીને વાત કરે છે.

શો કરતાં પહેલાં કોઈ શરત મૂકી હતી?મારી પાસે કાસ્ટ કોપી આવી ત્યારે મનમાં હતું કે, મુખ્ય એક્ટર તરીકેનો રોલ મળે. સ્ટિરિયોટાઈપ રોલ નહોતો કરવો. ઈન્ટરનેટના કારણે દુનિયા નાની થઈ ગઈ છે અને લોકો એકબીજાનું કામ જોઈને તેની ટેલેન્ટ વખાણે છે. ભારતીય ટેલેન્ટને જોઈએ તેટલી ખ્યાતિ નથી મળતી. જેના માટે યોગ્ય સમય આવી ગયો છે. આ અંગે અનિલ કપૂર સાથે ઘણી ચર્ચા કરીએ છીએ. તેમણે જ આ શો કરવા ભલામણ કરી, જેથી ભારતીયો માટે તકો ખૂલે. હવે તેઓ ખૂબ જ ખુશ છે. હજુ સુધી કોઈ હોલીવૂડ ફિલ્મ કે સિરિયલમાં કોઈ ભારતીયને મુખ્ય રોલ મળ્યો હોય તેવું બન્યું નથી. ફક્ત કોઈ પાત્રનો રોલ જ ભજવાયો છે. સિરિયલમાં હું એક ઈન્ડો-અમેરિકન એફબીઆઈ એજન્ટ છું, જેને ભારતીયતા સાથે કોઈ લેવાદેવા નથી. આ વાત મને પસંદ આવી એટલે હું શો કરી રહી છું.

‘ગંગાજલ-૨’ને લઈને પણ ચર્ચા જામી છે. તેમાં તારો રોલ કયા પ્રકારનો છે?‘ગંગાજલ-૨’માં મારો રોલ ફીમેલ અજય દેવગણ તરીકેનો છે. કરપ્શન, લેન્ડ માફિયા અને ફાર્મર સ્યુસાઈડ જેવા મુદ્દા સમાજમાં વધ્યા છે. જેના અંગે કોઈ વાત નથી કરતું. વાર્તા સાંભળી ત્યારથી આ અંગે ફિલ્મ કરવાની ઇચ્છા હતી. લેડી પોલીસ ઓફિસર કરપ્શન સામે લડી રહી છે તે રસપ્રદ છે.

ફિલ્મ ‘ગંગાજલ-૨’ માટે કયા પ્રકારનું સંશોધન કે અભ્યાસ કર્યો છે?કેટલાક આઈપીએસ ઓફિસર્સના ઈન્ટરવ્યૂ કર્યા છે. પુરુષ આધારિત સમાજમાં મહિલાની વાત કોઈ ગંભીરતાથી ધ્યાને નથી ધરતું. ઓથોરિટી લેવા અંગે કઈ કઈ મુશ્કેલીઓ સામે આવી રહી છે તે ફિલ્મમાં દર્શાવાયું છે.

શરૃઆતથી જ અલગ પ્રકારના રોલ નિભાવે છે, ચેલેન્જ લેવી પસંદ છે?જ્યારે ‘ફેશન’ કરી ત્યારે લોકો કહેતાં કે આવી ફિલ્મો કરવાથી કારકિર્દી ખતમ થઈ જાય છે. ‘એતરાઝ’માં વેમ્પ બની ત્યારે કહેતાં કે વેમ્પ જ બની રહીશ, હીરોઇનનો રોલ નહીં મળે. મારી કોશિશ રહી છે કે, હીરોઇનોને ગંભીરતાથી જોવામાં આવે. અનુષ્કાની ‘એનએચ૧૦’, દીપિકાની ‘પીકૂ’, કંગનાની ‘તનુ વેડ્સ મનુ’ તથા મારી ‘મેરીકોમ’ વગેરે ફીમેલ સક્સેસ ફિલ્મ્સથી હીરોઇનોને આટલાં વર્ષો બાદ ઓળખ મળી છે. મને યાદ છે કે, એક નિર્માતાએ મને કહ્યું હતું કે, છોકરીઓ તો ઈન્ટરચેન્જેબલ હોય, વધુ પૈસા માંગે તો બદલી લેવાય, પરંતુ આજે પરિસ્થિતિ જુદી છે અને હું ખુશ છું કે ફિલ્મમાં રોલ અંગે આજની હીરોઇનો એક મત છે અને એક-બીજાને મદદરૃપ થાય છે.

આવી ફિલ્મો કરવાથી દર્શકોનો પ્રેમ મળી રહ્યો છે?દર્શકો આવી ફિલ્મો સારી હોવાથી સ્વીકારી રહ્યા છે. અમે એવું નથી કહેતા કે, હીરોઇનની ભૂમિકા આધારિત ફિલ્મ હોવાથી તેને જુઓ, પરંતુ સારી ફિલ્મ હોવાથી તેને જોવી જોઈએ. અમે સારી ફિલ્મો બનાવીએ છીએ, તે હીરો આધારિત હોય કે હીરોઇન આધારિત, પરંતુ સારી હોય તો તેને સ્વીકારો. આ માટે ઘણી મહેનત અને સંઘર્ષ કરવો પડ્યો છે ત્યારે હવે હીરોઇનોને આ સ્ટેટસ મળ્યું છે.

રાષ્ટ્રીય એવોર્ડ ન મળ્યાનો અફસોસ છે?મારી ફિલ્મને તો એવોર્ડ મળ્યો છે. મને નથી મળ્યો એટલે થોડોક ખચકાટ જરૃર થાય, પરંતુ કંગનાને તે મળ્યો છે. જો તેને પણ ન મળ્યો હોત તો વધુ દુઃખ થયું હોત.

મધુર ભંડારકર નિર્મિત ફિલ્મ ‘મેડમજી’નું શું થયું?‘મેડમજી’ની વાર્તા ખૂબ જ સારી છે. હું હજુ પણ એ ફિલ્મ કરવા ઇચ્છું છું. તે વખતે મારે અને મધુરને ઘણા પ્રોબ્લેમ્સ હતા એટલે ફિલ્મ હોલ્ડ પર મુકાઈ ગઈ. ‘બાજીરાવ મસ્તાની’, ‘ગંગાજલ-ર’ અને ‘ક્વાન્ટિકો’ પછી સમય મળશે એટલે સમય કાઢીને પણ તે જરૃર કરીશ.

You might also like