તીવ્ર દબાણ હેઠળ દાઉદને અન્યત્ર ખસેડાયોઃ રિપોર્ટ

નવી દિલ્હીઃ પાકિસ્તાની સેના અને આઈએસઆઈએ અંડરવર્લ્ડ ડોન અને ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી દાઉદ ઈબ્રાહિમને કરાંચીમાંથી દેશના ઉત્તરીય વિસ્તાર મુરીમાં ખસેડી દીધો હોવાના અહેવાલ મળ્યા છે. પાકિસ્તાન દ્વારા દાઉદને સતત શરણ આપવામાં આવી રહી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ દાઉદની પત્નિ અને નાની પુત્રી પણ માફીયા ડોનની સાથે હોવાનું જાણવા મળ્યું છે. દાઉદનો નાનો ભાઈ અનિશ અને તેમના પરિવારના સભ્યો પણ ૧૯૯૩ના મુંબઈ સીરિયલ બોંબ બ્લાસ્ટના માસ્ટરમાઈન્ડ સાથે શિફ્ટ થયા છે. આઈએસઆઈ મુરીમાં સુરક્ષિત આવાસ ધરાવે છે.

દાઉદ હવે ત્યાં રોકાયો છે. અગાઉ પણ તે ત્યાં રોકાઈ ચુક્યો છે. દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનમાં નવ આવાસ ધરાવે છે, જે પૈકી એક બિલાવલ ભુટ્ટોના આવાસની નજીક પણ છે. પુરાવા એવા પણ મળ્યા છે કે, દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનમાં છુપાયેલો છે. ભારત દ્વારા તૈયાર કરવામાં આવેલા નવા ડોઝિયરમાં ઘણી બધી બાબતોનો ખુલાસો થયો છે. ભારત દ્વારા તૈયાર કરાયેલા ડોઝિયરમાં દાઉદની તમામ વિગતો ખુલતા પાકિસ્તાનની ઊંઘ હરામ થઈ ગઈ છે અને દાઉદને અન્યત્ર ખસેડવાના પ્રયાસો કરાયા છે.

પાકિસ્તાન હંમેશા કહેતું રહ્યું છે કે, દાઉદ પાકિસ્તાનમાં નથી.  બીજીબાજુ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ કહી ચુક્યા છે કે દાઉદ કાયમી રીતે પાકિસ્તાનમાં રહે છે. અલબત્ત તે પોતાની જગ્યાઓ બદલતો રહે છે. પાકિસ્તાન હવે લાંબા સમય સુધી દાઉદને શરણ આપી શકશે નહીં. દાઉદ પાસે ત્રણ પાકિસ્તાની પાસપોર્ટ પણ છે. ૧૯૯૩ના સીરિયલ બોંબ બ્લાસ્ટમાં ૨૫૭ લોકોના મોત થયા હતા અને હજારો લોકો ઘાયલ થયા હતા. તેના ઉપર અન્ય આતંકવાદી હુમલો કરવાનો પણ આરોપ થયેલો છે. ખંડણી અને મની લોન્ડ્રીંગના પણ આક્ષેપો  છે.

 

You might also like