તિહાડ જેલની વાનમાં અથડામણ બે કેદીઓનાં મોતઃ પાંચ ઘાયલ

નવી દિલ્હી: છેલ્લાં ત્રણ દિવસમાં શહેરમાં બનેલા બીજા જૂથ હિંસાના બનાવમાં   કોર્ટમાંથી તિહાડ જેલ પરત લાવવામાં આવી રહેલા બે કાચા કામના કેદીઓની તેમની સાથેના કેદીઓએ ચાલતી પોલીસ વાનમાં મારપીટ કરીને મોતને ઘાટ ઉતાર્યા હતા. નીતુ દાબોલિયા ગેંગનું નેતૃત્વ સંભાળતા પારસ ઉર્ફે ગોલ્ડી અને તેના સાગરિત પ્રદીપનું ગેંગ્સ્ટર નીરજ બવાના અને તેના છ સાથીઓએ ગળું દાબીને  તથા માર મારીને મોત નીપજાવ્યું હતું. ડેપ્યુટી પોલીસ કમિશનર (આઉટર) વિક્રમજીત સિંઘે જણાવ્યું હતું કે પારસ અને પ્રદિપ માર્યા ગયા હતા અને અન્ય પાંચ કેદીઓ ઘાયલ થયા હતા. તેમને રોહિણી કોર્ટમાં કાર્યવાહી પૂરી થયા પછી તિહાડ જેલ પરત લાવવામાં આવી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. જેલોના વડા મુકેશ પ્રસાદે કહ્યું હતું કે હિંસાનો ભૂતકાળ ધરાવતા હરિફ ગેંગના સભ્યોને એક જ વાહનમાં લાવવામાં આવતા હતા તે નવાઈની વાત છે. જેલ અધિકારીઓએ કહ્યું હતું કે પારસ અને પ્રદિપ ગેરફાયદામાં હતા અને તેમની સંખ્યા ઓછી હતી.આ ઘટનામાં તપાસનો આદેશ આપતા પોલીસે કહ્યું હતું કે આ ગેંગના લોકો ભૂતકાળમાં પણ સાથે કોઈપણ તકલીફ વિના મુસાફરી કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે બવાના દિલ્હીના કુખ્યાત ગુનેગારો પૈકીનો એક છે અને ગયા એપ્રિલમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ  દાબોલિયા ગેંગના સભ્ય રહી ચૂકેલા બવાનાને તેમની સાથે લાંબા સમયથી ઝઘડો ચાલતો હતો. દિલ્હીમાં ગુનાની યાદીમાં ટોચના બે ક્રમે રહેલી આ બે ગેંગ વચ્ચે ખંડણીના રેકેટ અને દક્ષિણ-પશ્ચિમ,પશ્ચિમ દિલ્હી અને બહારના વિસ્તારમાં જમીન પર કબજાને લઈને ઘણી વખત અથડામણો થઈ હતી.  સાંજે પાંચ વાગે પોલીસ વાન પીતમપુરા પહોંચી ત્યારે ૧૨ પોલીસકર્મીઓને વાનની બીજી ચેમ્બરમાં કે જ્યાં આ કેદીઓ બેઠા હતા ત્યાં મારામારી થઈ રહી હોવાનું જણાયું હતું.  બવાના અને તેના માણસોએ પારસ અને પ્રદિપને પકડી લીધા હતા અને તેમને માર મારતા હતા. વાનમાંના એક અધિકારીએ કહ્યું હતું કે ગાઈડલાઈન્સ મુજબ અમે સલામતી માટે પોલીસ કન્ટ્રોલને જણાવ્યું હતું અને વાનને રસ્તાની બાજુએ પાર્ક કરી દીધી હતી.
 
You might also like