તહેવારો પૂર્વે ટ્રાન્સપોર્ટર્સની હડતાળના પગલે સ્થાનિક વેપાર-ઉદ્યોગમાં ચિંતા

અમદાવાદઃ આગામી ૧ ઓક્ટોબરથી ગુજરાત સહિત દેશભરના ટ્રાન્સપોર્ટર્સ અનિશ્ચિત મુદતની હડતાળ પર જઇ રહ્યા છે. ટ્રાન્સપોર્ટર્સની ટોલટેક્સ સહિત કેટલાક મુદ્દાને લઇને સરકાર સાથે ચાલી રહેલી વાતચીતો નિષ્ફળ જતાં ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે આગામી  ૧ ઓક્ટોબરથી હડતાળના એલાનની જાહેરાત કરી છે, જેના પગલે તહેવારો પૂર્વે જ સ્થાનિક વેપાર ઉદ્યોગ-ધંધામાં ચિંતા જોવા મળી છે. સ્થાનિક વેપારી અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે તહેવારો પૂર્વે જ માલ પરિવહનનાં કામકાજ વધતાં હોય છે તેવા સમયે જ ટ્રાન્સપોર્ટર્સની હડતાળને કારણે માલ પરિવહનને મોટી અસર થવાની ભીતિ સેવાઇ રહી છે.રાજ્યમાંથી કાપડ, એન્જિનિયરિંગ, સિમેન્ટ, કેમિકલ્સના માલની મોટા પ્રમાણમાં હેરફેર થાય છે. ઉલ્લેખનીય છે કે ટ્રાન્સપોર્ટર્સની હડતાળને કારણે ગુજરાત સહિત દેશભરમાં ૮૬ લાખથી વધુ ટ્રકનાં પૈડાં થંભી જશે. આ અંગે વેપારી અગ્રણી ગૌરાંગ ભગતે જણાવ્યું કે તહેવારોની સિઝન આવી છે ત્યારે જ ટ્રાન્સપોર્ટર્સની હડતાળને કારણે કામકાજ ઉપર સીધી અસર જોવાઇ શકે છે. સામાન્ય રીતે તહેવારોમાં જ કામકાજો વધતા હોય છે અને આવા સમયે જ ટ્રાન્સપોર્ટર્સની હડતાળને કારણે કામકાજ અટવાય તેવી ભીતિ સેવાઇ રહી છે.
You might also like