તસ્કરો કંપનીમાં રહેલી તિજોરી ઉઠાવી ફરાર

અમદાવાદઃ શહેરમાં ફરી એકવાર તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. સારંગપુર વિસ્તારમાં આવેલા લોખંડબજારમાં એક કંપનીમાં તસ્કરોએ ત્રાટકી ઓફિસમાં રહેલી નાની તિજોરી ઉઠાવી ફરાર થઈ ગયા હતા. આ તિજોરીમાં કંપનીના કર્મચારીઓના પગારના રોકડા રૂ.૩.૪૩ લાખ, લેપટોપ, ગાડીઓની આરસીબુક વગેરે મળી કુલ રૂ.૩.૬૧ લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. કાગડાપીઠ પોલીસે ફરિયાદને આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નવરંગપુરા દર્પણ ચાર રસ્તા નજીક હાટકેશ સોસાયટી ખાતે ચિંતનભાઈ મહેતા રહે છે. ચિંતનભાઈ સારંગપુર લોખંડબજારમાં પ્રિમિયર મિલ્સ સ્ટોર નામની કંપની ધરાવે છે. ગત તા.૧લી ઓગસ્ટના રોજ તેઓની કંપની બંધ હતી. તે દરમિયાનમાં કોઈ અજાણી વ્યક્તિએ કંપનીનું શટર ઊચું કરી અંદર પ્રવેશ કરી તેમની ઓફિસમાં રહેલા ગોદરેજ કંપનીની નાની તિજોરી, સીસીટીવીનું લેપટોપ, અલગ અલગ કંપનીઓની ૧૫ જેટલી આરબી બુક લઈ ફરાર થઈ ગયા હતા.

તિજોરીમાં કંપનીના કર્મચારીઓનાં પગારનાં નાણાં રૂ. ૩.૪૩ લાખ મૂક્યા હતા. તમામ મળી કુલ રૂ.૩.૬૧ લાખની મતા તસ્કરો ચોરી ગયા હતા. બે દિવસ બાદ જ્યારે કંપનીમાં તેઓ આવ્યા ત્યારે ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. આ અંગે કાગડાપીઠ પોલીસને જાણ કરાતાં પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. કંપનીમાં લગાવેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરતા પોલીસને માત્ર હાર્ડડિસ્ક મળી આવી હતી. જેથી પોલીસે હાલ તેના આધારે તપાસ શરૂ કરી છે.

You might also like