તમામ એકાદશીનું સર્વોત્તમ માહાત્મ્ય

આપણા હિંદુ ધર્મનાં પંચાંગમાં સમગ્ર વર્ષ દરમિયાન દરેક મહિનાના સુદ તથા વદ પક્ષના પખવાડિયાની અગિયારમી તિથિને આપણે અગિયારશ કહીએ છીએ.
 
આપણા પૂર્વજોએ બંને એકાદશીને ભક્તિ આરાધના અને સાધનોની એક પવિત્ર પાવન તિથિ તરીકે માન્યતા આપી છે. ઇશ્વર સાથે એકાત્મકતા તથા તાદાત્મ્ય સાધવાના અનુકુળ દિવસ તરીકે નવાજેલ છે. આ સાથેની યાદી પ્રમાણે દરેક એકાદશીનું પોતાનું આગવું માહાત્મ્ય તો છે જ. તેથી તે પ્રમાણે તેમનાં નામ પાડ્યાં છે. અષાઢ સુદ અગિયારશ કે જ દેવશયની અગિયારશ તરીકે ઓળખાય છે. ઇશ્વર, ભગવાન, દેવ ચાતુર્માસારંભથી પોઢી જાય છે તેવું મનાય છે. તેથી દરેક શુભ કાર્ય જેવાં કે લગ્ન, ઉપનયન, વાસ્તુ વગેરેનાં મુહૂર્ત આવતાં નથી, પરંતુ આ સમય દરમિયાન ભક્તિના તમામ માર્ગ શરૂ થાય છે. આ સમય દરમિયાન મોટા ભાગના પવિત્ર તહેવાર તથા અન્ય વ્રતો આવે છે. સૃષ્ટિ ઉપર પર્જન્યવૃષ્ટિ આ સમય દરમિયાન થાય છે. સૃષ્ટિ ઉપર ફળ, ફુલ, વનસ્પતિ તથા અન્ન અને ધાન્યની જોગવાઇ સૃષ્ટિ નિર્માતા સૃષ્ટિ ઉપરના જીવનાં ક્ષેમ કલ્યાણના હેતુ સહ કરે છે.
 
આપણાંમાંના ઘણા શ્રદ્ધાળુ ખંતથી સુદ ૧૧ કે વદ ૧૧ અથવા કોઇ પણ એક વદ અથવા સુદ અગિયારશ બારેય માસ કરે છે. આ દિવસે આખો દિવસ ઉપવાસ કરે છે અથવા માંદા, અશક્ત એકટાણું કરી અગિયારશ કરતા હોય છે. સવારે દેવપૂજન, દેવદર્શન, ભજન, કીર્તન, સત્સંગ વગેરે કરે છે. અલ્પ માત્રામાં ફળાહાર કરે છે. ઉપવાસનો અર્થ દરેક જણ જાણે તે જરૂરી છે. ‘ઉપ’ એટલે નજીક, ‘વાસ’ એટલે રહેવું. ઉપવાસ એટલે આખો દિવસ ભગવાનની નજીક રહેવું. આપણી વૃત્તિઓને ચકાસવી. આ અભ્યાસથી આપણે નવીન થવું અર્થાત્ સત્ય તથા અસત્યનો ભેદ પારખવો. આ બાબત જ એકાદશીનું ખરું આચરણ કે માહાત્મ્ય છે.
 
સૃષ્ટિનિયંતા અર્થાત્ ભગવાને પોતાનો અંશ આત્માને માનવદેહ આપ્યો. સૃષ્ટિનું નિર્માણ કરી આપણને મનુષ્ય જીવન આપ્યું. આપણા મનુષ્ય જીવનને ધર્મ અર્થ તથા કામ એમ ત્રણ કર્તવ્ય સોંપ્યાં. આપણા સંતો, ગુરુજનો જે ઇશ્વરના પ્રતિનિધિ મનાય છે તેઓએ જુદા જુદા કામમાં આ બાબત જ આપણને શીખવાડી છે. આપણે આ અગિયારશથી આપણા અનિયંત્રિત જીવને કાબૂમાં રાખીએ છીએ. એકટાણાં માટે સાંજ પહેલાં જમવાની આતુરતા હોય છે. બીજા દિવસનાં પારણાં માટે ઇંતેજારી હોય છે. દરરોજના સામાન્ય ભોજનથી પણ આપણે બમણું ખાઇએ છીએ. આ બાબત એકાદશીને નિરર્થક બનાવે છે.
આપણા સંતોએ આ માટે તેમના જે તે કાળમાં માર્ગદર્શન આપ્યું છે. સાધનાપંથીઓએ સાધ્યતે સાધવા પથપ્રદર્શન આપ્યું છે. ઉપવાસના દિવસે ફળાહારનું આયોજન દેહના દેહધર્મોને નિયંત્રણમાં રાખવાનું છે, નહીં કે દેહસુખ માટે.
 
પર્વ, તહેવાર, અગિયારશ, પૂનમ, અમાસે આપણે ઉપવાસ રાખવો જોઇએ. સતત ઇશ્વર સ્મરણ કર્યા કરવું. ખૂબ સંયમિત આહાર લેવો. આમ કરવાથી દેહનો ચોક્કસ ભાગ આરામ પામે છે, જેથી આપણને સારું સ્વાસ્થ્ય પ્રદાન થાય છે.
 
ઉપવાસથી શરીર તંદુરસ્ત રહે છે. અગિયારશ, પૂનમ કે અમાસનો ઉપવાસ આપણને તન, મનથી પવિત્ર બનાવે છે. ઉપવાસ કરવાથી આપણને ભગવાનનું સાંનિધ્ય પ્રાપ્ત થાય છે. અમૂલ્ય માનવદેહ વારંવાર મળતો ન હોવાથી એકાદશીનો ઉપવાસ આપણને પવિત્ર તથા સ્વસ્થ બનાવી ભગવાનની નજીક આણે છે.
You might also like