ડોપિંગઃ ૨૮ ખેલાડી સામે કાર્યવાહી થશે

લંડન : આંતરરાષ્ટ્રીય એથ્લેટિક્સ એસોસિયેશનોનો મહાસંઘ (આઇએએએફ)એ કહ્યું છે કે તપાસ બાદ ૨૮ ખેલાડીઓ વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આઇએએએફના જણાવ્યા અનુસાર ૨૦૦૭ના વિશ્વ ચેમ્પિયનશિપના વિજેતાઓના લોહીના નમૂનાના સેમ્પલની ફરીથી તપાસ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, પરંતુ આઇએએએફે કહ્યું છે કે કાયદાકીય અડચણોને કારણે અમે આ ખેલાડીઓનાં નામ જાહેર કરી શકીએ એમ નથી.

આઇએએએફના જણાવ્યા અનુસાર આમાંથી બહુ ઓછા ખેલાડીઓ હાલમાં સક્રિય છે અને તેઓને હાલમાં ફક્ત સસ્પેન્ડ કરાઈ રહ્યા છે, જેથી તેઓ આ મહિને બીજિંગમાં યોજાનારી વિશ્વ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ શકશે નહીં. ગત સપ્તાહે આવેલા રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું હતું કે પાછલાં કેટલાંક વર્ષોમાં યોજાયેલી ઓલિમ્પિક અને વિશ્વ ચેમ્પિયનશિપના ઘણા વિજેતાઓના લોહીના નમૂનાની તપાસ બાદ તેઓ શકના દાયરામાં આવી ગયા છે. આઇએએએફે કહ્યું છે કે તેઓએ બ્લડ સેમ્પલની તપાસ ગત એપ્રિલથી શરૂ કરી હતી.

લંડન મેરેથોનના સાત વિજેતાઓ પર સવાલબ્રિટનના અખબાર ‘ધ સન્ડે ટાઇમ્સ’ના જણાવ્યા અનુસાર છેલ્લાં ૧૨ વર્ષમાં સાત વાર લંડન મેરેથોન જીતનારા દોડવીરોના લોહીના નમૂના શંકાસ્પદ જણાયા છે. અખબારના જણાવ્યા અનુસાર સાત વિજેતાઓ, છ રનર્સ અપ અને ત્રીજા સ્થાને રહેલા સાત દોડવીરોનો દોષી ઠેરવવા જોઈતા હતા કે પછી કમ સે કમ સંભવિત ડોપિંગની તપાસ થવી જોઈતી હતી.

અખબારનો એવો પણ દાવો છે કે જે નિષ્ણાતોએ આ મામલાની તપાસ કરી છે તેઓના જણાવ્યા અનુસાર આ સ્પર્ધા એ ૩૪ શહેરોની મેરેથોનમાંની એક છે, જેમાં ભાગ લેનારા દોડવીરો પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. થોડા દિવસ પહેલાં લંડન મેરેથોનના આયોજકોએ કહ્યું હતું કે તેઓ ૨૦૧૦માં આ દોડ જીતનારી મહિલા લિલિયા શોબુખોવા પાસેથી તેણે જીતેલી રકમ પાછી મેળવવા માટે કાયદાકીય કાર્યવાહી કરવા તૈયાર છે.

તાજેતરમાં જ ‘ધ સન્ડે ટાઇમ્સ’ અને જર્મન બ્રોડકાસ્ટર એઆરડીએ એક વ્હિસલ બ્લોઅર પાસેથી મળેલી જાણકારી અનુસાર આંતરરાષ્ટ્રીય એથ્લેટિક્સ એસોસિયેશનોના મહાસંઘ (આઇએએએફ)એ કરેલા લોહીના નમૂનાની તપાસનાં પરિણામ જાહેર કર્યાં હતાં.

મળેલી જાણકારી પ્રમાણે નિષ્ણાતોએ ૫૦૦૦ એથલિટ્સના ૧૨,૦૦૦ નમૂનામાં જાણવા મળ્યું હતું કે પાછલાં ૧૨ વર્ષોમાં ઓલિમ્પિક રમતો સહિત ઘણી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં મોટા પાયે ગરબડ થવાના સંકેત છે. જે દેશના એથલેટ્સ શંકાના દાયરામાં છે તેમાં રશિયા અને કેન્યાનું નામ ટોચ પર છે. બ્રિટનનો એક ટોચનો એથ્લીટ પણ એ સાત બ્રિટનના એથલિટ્સમાં સામેલ છે, જે શંકાના દાયરામાં છે.

 

 

You might also like