ડુંગળીના મામલે હવે 'આપ' સરકાર સામે નવી સમસ્યા

નવીદિલ્હી : ડુંગળીની કિંમતને લઇને આમ આદમી પાર્ટીની સરકાર ઉપર મોટા ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. ડુંગળીના મુદ્દા ઉપર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં દિલ્હી સરકાર ભીંસમાં આવી ગઈ છે. સરકાર પર ડુંગળી ખરીદી વેચાણમાં ગેરરીતિ આચરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. નાસિકની સ્મોલ ફાર્મર્સ એગ્રી બિઝનેસ કન્સોલ્ટિયમ સંસ્થા પાસેથી આરટીઆઈ હેઠળ મળેલી માહિતીમાં ઘણી ચોંકાવનારી વિગત સપાટી ઉપર આવી છે.

આરટીઆઈને મળેલા જવાબ મુજબ કેજરીવાલ સરકાર જે ડુંગળીને ૪૦ રૂપિયામાં ખરીદીને ૩૦ રૂપિયા સબસિડીની સાથે વેચવાનો દાવો કરી રહી હતી તે હકીકતમાં ૧૮ રૂપિયા પ્રતિકિલોના દરે ખરીદવામાં આવી હતી. એક અહેવાલ એસએફએસીના રિસીપ્ટમાં આ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેના ઉપર સંસ્થાના માર્કેટિંગ ટીમ લીડર આર દુવરીના હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા છે.

આ રિસીપ્ટમાં સાફ શબ્દોમાં જણાવવામાં આવ્યું છે કે, દિલ્હી સરકાર એસએફએસી પાસેથી ૧૪ રૂપિયાથી લઇને ૨૦ રૂપિયા પ્રતિકિલોના દરે કુલ ૨૬૩૭.૫૮ મેટ્રિક ટન ડુંગળીની ખરીદી કરી હતી. થોડાક દિવસ પહેલા જ દિલ્હી સરકારે જે ડુંગળીના સ્ટોલ સમગ્ર દિલ્હીમાં લગાવ્યા હતા તેના માધ્યમથી ડુંગળી પ્રતિ ૩૦ રૂપિયા કિલોના ભાવે વેચવામાં આવી હતી. સરકારે કહ્યું હતું કે, આ ડુંગળીની ખરીદી ૪૦ રૂપિયા પ્રતિકિલોના દરે ખરીદવામાં આવી હતી અને ૧૦ રૂપિયા સબસિડીની સાથે વેચી રહી છે.

પરંતુ જે નવી વિગત સપાટી ઉપર આવી છે તેનાથી સરકારના દાવા ખોટા સાબિત થયા છે. મળેલી માહિતી મુજબ આ ડુંગળીની સરેરાશ કિંમત આશરે ૧૮ રૂપિયા પ્રતિકિલો હતી. તે વખતે દિલ્હીને કહેવામાં આવ્યું હતું કે, ડુંગળીની કિંમત ૩૩ રૂપિયા પ્રતિકિલો અને સાત રૂપિયા પ્રતિકિલો સ્ટોરેજ અને પરિવહન ચાર્જ મળીને ૪૦ રૂપિયા પ્રતિકિલો વેચવામાં આવશે.

You might also like