ડીજી સ્તરની વાતચીત પહેલાં જ રાત્રે પાક.ની નાપાક હરકત

નવી દિલ્હીઃ પાટનગર નવી દિલ્હીમાં આજે બીએસએફ અને પાકિસ્તાની રેન્જર્સ વચ્ચે ડીજી સ્તરીય પાંચ દિવસીય વાટાઘાટોની પૂર્વ સંધ્યાએ જ બુધવારે રાત્રે પાકિસ્તાની ફરી અેક વાર પોતાની નાપાક હરકત જારી રાખીને જમ્મુ-કાશ્મીરના પુંચમાં જબરદસ્ત ફાયરિંગ કર્યું હતું. 

અત્રે ઉલ્લેખનીય છે કે આજે શરૂ થતી ડીજી સ્તરીય મંત્રણામાં યુદ્ધ વિરામ ભંગ અને ઘૂસણખોરીના મુદ્દે મહત્ત્વની વાતચીત થવાની હોવા છતાં પાકિસ્તાને સરહદ પર ગોળીબાર જારી રાખ્યા છે. પાકિસ્તાને જમ્મુના કૃષ્ણાઘાટી અને પુંચ વિસ્તારમાં સીમા સરહદની પેલે પારથી ફાયરિંગ થયું હતું. બીએસએફએ પણ વળતું ફાયરિંગ કર્યું હતું, જોકે આ દરમિયાન કોઇ ખુવારી કે નુકસાન થવાના અહેવાલ નથી.

બુધવારે પાકિસ્તાને ઇન્ટરનેશનલ સરહદ પર જમ્મુ કાશ્મીરના કુપવાડા અને પુંચમાં ૧ર કલાકમાં બે વખત યુદ્ધ વિરામનો ભંગ કર્યો હતો. પાકિસ્તાની રેન્જરોએ મોર્ટાર મારો ચલાવ્યો હતો અને ઓટોમેટિક હથિયારોથી ફાયરિંગ કર્યું હતું. 

દરમિયાન બીએસએફ વડા મથક ખાતે યોજાનારી ડીજી સ્તરની વાતચીત પહેલાં પાકિસ્તાન રેન્જર્સ તરફથી આ બેઠકને લઇને કંઇ કહેવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. બંને દેશ વચ્ચે દોઢ વર્ષથી વધુ સમય બાદ ડીજી સ્તરથી વાતચીત આજે શરૂ થશે. છેલ્લે ર૦૧૩માં લાહોર ખાતે બંને દે વચ્ચે વાતચીત થઇ હતી.

 

You might also like