ડાન્સ વગર હું પાણી વગરની માછલી જેવી છુંઃ માધુરી

બોલીવૂડ ડાન્સ ક્વીન માધુરી દીક્ષિત અને ડાન્સ આઈકોન ટેરેન્સ લેવીસે વર્લ્ડ ડાન્સ ડે અંતર્ગત ‘જુગની ફેસ્ટિવલ’ યોજ્યો જેને સારો આવકાર મળ્યો.

માધુરીએ કહ્યું કે, ‘ડાન્સ સાથે મારો દિલથી લગાવ રહ્યો છે. ટેરેન્સે ‘જુગની’ અંગે વિચાર્યું અને હું તેમાં જોડાઈ. અમને બંનેને ડાન્સનો જબરજસ્ત શોખ હોવાથી ડાન્સની ખુશી લોકો સાથે વહેંચવા આ ફેસ્ટિવલનું ઓનગ્રાઉન્ડ આયોજન કરાયું જેમાં મારી ઓનલાઈન ડાન્સ એકેડમી પણ જોડાઈ. જેનો હેતુ લોકોમાં રહેલી ટેલેન્ટને ઉજાગર કરવાનો છે.’

‘જુગની’ એટલે અંધારામાં કંઇક ચમકતું તેમ જણાવતાં ટેરેન્સે કહ્યું કે, ‘મારી અને માધુરીની જિંદગી ચમકી ઊઠી છે અને હવે મુંબઈ શહેર પણ ચમકી ઊઠશે. જેમ રોજનું એક સફરજન ડોક્ટરથી દૂર રાખે છે તેમ ડાન્સ ચિંતાઓથી દૂર રાખે છે. ટીવી પરદે ચમકવા નહીં ઇચ્છતા કેટલાય ટેલેન્ટેડ ડાન્સર્સે અહીં પરફોર્મ કર્યું.

 અગાઉ રિયાલિટી શો અને ડાન્સ પ્લેટફોર્મ ઓછા હોવાને કારણે પડતી મુશ્કેલી અંગે માધુરીએ કહ્યું, ‘જ્યારે કોઈ ડાન્સ શીખે છે ત્યારે ડાન્સ ક્યાં શીખ્યા? ગુરુ કોણ હતા? જેવી બાબતો ધ્યાને લેવાય છે. વૈજયંતી માલા, વહિદા રહેમાન, હેલન, જેની કેલી વિગેરે ક્લાસિકલમાં ટ્રેન્ડ ડાન્સર રહી ચૂક્યાં છે. જેઓ ડાન્સને એક ઊંચાઈએ લઈ ગયાં.’ ક્લાસિકલ ડાન્સર, બોલીવૂડ ડાન્સર જેવા ગ્રુપોમાં ડાન્સ કોમ્યુનિટી વહેંચાઈ હોવાથી આ આયોજન કરાયું હતું. ડાન્સ અંગે ટેરેન્સે કહ્યું, ‘માધુરીના ડાન્સની વાત જ જુદી છે. તે તેની પર્સનાલિટીનો પ્રભાવ પણ ડાન્સમાં ઉતારતી. હું આજે પણ તેનો ડાન્સ જોઉં છું અને પસંદ કરું છું.’

ડાન્સને આઈટમ સોન્ગ તરીકે જોવા અંગે માધુરીએ કહ્યું, ‘જુદા જુદા સમયે ડાન્સની રીત જુદી જુદી હોય છે. ક્લાસિક ડાન્સ મારું મજબૂત પાસંુ હતું. જેનાથી મને ઘણી મદદ મળી. મને ડાન્સ પસંદ હોવાને કારણે હું તે દિલથી કરતી. મારો પરિવાર હંમેશા નૃત્યકલાને આદર આપે છે. બધાને મ્યુઝિક અને આર્ટ પસંદ છે. મારી મમ્મી ક્લાસિકલ મ્યુઝિક શીખતી, હું મારા બાળકોને તબલાં અને પિયાનો શીખવું છું. હાલમાં જ તેઓએ કાલાઘોડા ફેસ્ટિવલમાં પરફોર્મ કર્યું હતું. ડાન્સ વગર હું પાણી વગરની માછલીની જેમ છું. હું શ્વાસ લઉં એ પણ મારા માટે ડાન્સ સમાન જ છે.’ 

દેખાવ માટે નહીં, દિલથી ડાન્સ કરો

‘સ્ટુડન્ટ્સ ઓફ ધ યર’ દ્વારા બોલીવૂડમાં પદાર્પણ કરનાર વરુણ અલગ પ્રકારના રોલ માટે તૈયાર છે. ‘બદલાપુર’માં સિરિયસ રોલ કરનાર વરુણ હવે પ્રેક્ષકોને ડાન્સરની ભૂમિકાથી અચંબિત કરશે. તેની આગામી ફિલ્મ ‘એબીસીડી ટુ’ એ આમ તો ‘એબીસીડી’ની સિક્વલ છે, પરંતુ બંનેની વાર્તા એક બીજાથી ભિન્ન છે. પોતાની આગામી ફિલ્મ ‘એબીસીડી ટુ’ના ટ્રેલર લોન્ચ વખતે વરુણ સાથેની વાતચીત…

તારા માટે એબીસીડી શું છે?

એબીસીડી મારા માટે જીવન છે, પેશન છે. આ ફિલ્મ બાદ ડાન્સ મારા જીવનમાં મહત્ત્વનો ભાગ બની ગયો છે. મારી એક મોટી ઇચ્છા પૂરી થઈ હોય તેવું લાગે છે. ફિલ્મમાં હું રાઈટર તુષારના કારણે છું. તેણે પહેલાં એબીસીડીની સ્ક્રિપ્ટ લખી હતી. હું તેની સાથે હંમેશાં એબીસીડી અંગે ચર્ચા કરતો. તેણે મારી પાસે આવીને કહ્યું, ‘દિગ્દર્શક રેમો ડિસોઝા એબીસીડીની સિકવલ તૈયાર કરી રહ્યા છે, જેમાં તને રોલ આપવા ઇચ્છે છે. ફિલ્મમાં અઢળક બધા ડાન્સ છે, જે તારાથી નહીં થાય એટલે ના કહી દેજે. આ અંગે મેં  ઘણો વિચાર કરી નક્કી કર્યું કે, આ ફિલ્મ મારે કરવી છે અને મેં કરી.

ડાન્સર અને એક્ટરની પર્સનાલિટીમાં ફરક હોય છે, પણ આ ફિલ્મથી એક્ટર કમ ડાન્સર અંગે શું માનવું છે?

બિલકુલ સાચી વાત છે. તેમની બોલવા, ચાલવાની રીત જુદી હોય છે. તેમની સાથે રહીને હું પણ તેવો અનુભવ કરી રહ્યો છું.

તારી પર્સનાલિટીમાં બદલાવ આવ્યો છે?

‘બદલાપુર’માં મારા અભિનય બાદ હું ફિલ્મના રોલ પ્રમાણે અપસેટ રહેતો હતો, પરંતુ એબીસીડી ટુ શરૂ કર્યા બાદ મારામાં બદલાવ આવ્યો છે. હું મારી જાતને પ્રફુલ્લિત અનુભવું છું ને ખુશ રહું છું, જેનું કારણ ડાન્સ છે.

ફિલ્મથી ડાન્સ અંગેની વ્યાખ્યા તારી દૃષ્ટિએ બદલાઈ?

ચોક્કસ… ડાન્સની વ્યાખ્યા અને મતલબ બંને બદલાઈ ગયાં છે. લોકો એવું વિચારતાં કે ફિલ્મમાં બે કે ત્રણ ગીતો હોઈ શકે, પરંતુ આ તો આખી ફિલ્મ ડાન્સ આધારિત છે જે એક નવો અભિનય છે અને તે પણ થ્રીડીમાં, તે કોઈએ વિચાર્યું નહીં હોય. આ ફિલ્મ અનેક ક્ષેત્રે દ્વાર ઉઘાડશે. પોતાનાં બાળકોને ડાન્સ કરવાથી રોકતા પેરેન્ટ્સનો અભિગમ બદલાઈ જશે.

પહેલાં ક્યારેય ડાન્સ કર્યો હોય અને તેના પર તાળીઓ પડી હોય તેવું યાદ છે?

કોઈના લગ્નમાં મારી મમ્મી મને દિલ્હી લઈ ગઈ હતી. જ્યાં હું નાચ્યો હતો અને લોકોએ મારા ડાન્સ માટે ખૂબ તાળીઓ પાડી હતી. આજે પણ એ વાત અને મળેલી તાળીઓ મને બાળપણમાં લઈ જાય છે.

ડાન્સ કરવાનો ચાન્સ તો તારી પહેલી જ ફિલ્મથી જ મળેલો. ડાન્સમાં તારું કોઈ આદર્શ ખરું?

મને મારી બધી ફિલ્મમાં ડાન્સ કરવાનો ચાન્સ મળ્યો છે. બોલીવૂડમાં ગોવિંદા મારા આદર્શ સમાન છે. એબીસીડીમાં ચીચી ભૈયા (ગોવિંદા) પર એક નાનો વીડિયો પણ જોવા મળશે, પરંતુ આ ફિલ્મમાં દરેક ડાન્સ ભારતીય એટલે કે સામાન્ય છે. ડાન્સને રિડિફાઇન કરવાની વાત આવે ત્યારે ધર્મેન્દ્ર, શમ્મી કપૂર, સલમાન અને રિતિકનું પર્ફોમન્સ ખૂબ જ સારું હોય છે. ખાન્સની પણ એક યુનિક સ્ટાઈલ છે.

પ્રભુદેવાને ગોડ ઓફ ડાન્સ મનાય છે. ફિલ્મમાં કોરિયોગ્રાફી પ્રભુદેવાએ કરી હોવાથી તેની સાથે ડાન્સ કરવાનો ચાન્સ મળ્યો?

હા, તે માટે મારે રેમો સરને રિક્વેસ્ટ કરવી પડેલી. સ્ક્રિપ્ટમાં ન હોવાને કારણે પહેલાં તો તેઓ નહોતા માન્યા, પરંતુ ફિલ્મના એક ડાન્સમાં હું પ્રભુદેવાના બૅકગ્રાઉન્ડ ડાન્સર તરીકે છું. તેઓ સ્પીડમાં ડાન્સ કરતા હતા. આ શોટ માટે હું ગભરાઈ ગયો હતો. તેમણે શીખવેલા સ્ટેપ કોઈ પણ કરે છતાં તેમાં તફાવત દેખાઈ જ આવે. એટલે જ તેઓ પ્રભુદેવા છે.

ગત સપ્તાહે તારો બર્થ-ડે હતો, શું ગિફ્ટ મળી?

મારી ફિલ્મનું ટ્રેલર તે સમયે રિલીઝ કરાયું એ જ મારી ગિફ્ટ છે. ડાન્સ ગ્રુપ (નાલાસોપારાનું એક ગ્રુપ, જેના પરથી આ ફિલ્મ બનાવવામાં આવી છે) ને ગિફટ આપવાની ઇચ્છા હતી. આથી નાલાસોપારા અને વસઈ ગયો અને તેમની વચ્ચે ફિલ્મનું ટ્રેલર જોઈ બર્થ-ડેની ઉજવણી કરી હતી.

તારી ફિલ્મના ડાયલોગ્સને ખૂબ આવકાર મળી રહ્યો છે, તેમાં કેટલો વિશ્વાસ ધરાવે છે?

હું તો ફેલ્યોર અને કમબૅકમાં માનું છું. એવું નથી કે કોઈ ફેલ થઈ જાય તો કમબૅક ન કરી શકે. જીવનમાં ઘણા જ મોકા આવે છે. ડાયલોગ્સ પ્રમાણે જ ફિલ્મમાં સમજાવાયું છે કે, માત્ર લોકોના દેખાવ માટે નહીં, દિલથી ડાન્સ કરો. ફિલ્મમાં જેટલા ડાન્સ છે તેમની પાસેથી આ જ શીખ્યું છે. ડાન્સ વગરનું જીવન વિચારવું અશક્ય છે અને હું તો કહું છું કે, મ્યુઝિક અનુભવી શકતા હોય તો એનીબડી કેન ડાન્સ…

હિના કુમાવત

You might also like