ટ્રેક્ટર પાછળ બાઈક ઘૂસી જતાં એકનું મોતઃ એક ઈજાગ્રસ્ત  

અમદાવાદઃ ચાંગોદરના વડાસર ગામે ગત રાત્રે રસ્તામાં ઊભેલા ટ્રેક્ટર પાછળ બાઈકચાલક ઘૂસી જતાં તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજા થતાં સારવાર અર્થે વી.એસ. હોસ્પિટલ ખસેડવામાં અાવ્યો હતો. ચાંગોદર પોલીસે અા અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 

પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વડાસર ગામે બળદેવ કમલેશભાઈ સોલંકી (ઉં.વ. અાશરે ૧૮) રહેતા હતા. ગત રાત્રે બળદેવભાઈ અને તેમના મિત્ર ખોડાભાઈ દેવીપૂજક ગામની સીમમાંથી ગામમાં જઈ રહ્યા હતા. દરમિયાનમાં રસ્તા વચ્ચે ઊભેલું ટ્રેક્ટર તેઓને ન દેખાતાં બાઈક ટ્રેક્ટર પાછળ ઘૂસી જતાં બળદેવભાઈનું મોત નીપજ્યું હતું જ્યારે ખોડાભાઈને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે અમદાવાદની વી.એસ. હોસ્પિટલ ખાતે ખસેડવામાં અાવ્યા હતા. રાત્રીના સમયે રસ્તા વચ્ચે કોઈ પણ રીફલેક્ટર લાઈટ વગર ટ્રેક્ટર ઊભું રાખી દેતાં બાઈકચાલક બળદેવભાઈને ટ્રેક્ટર દેખાયું નહોતું. અા અંગે બળદેવભાઈના ભાઈએ ટ્રેક્ટરચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતાં ચાંગોદર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે રાત્રીના સમયે રોડ ઉપર વાહનો ઊભા હોય ત્યારે વાહનોની રીફલેક્ટર લાઈટ ચાલુ હોવી જરૂરી છે. જો લાઈટ ન હોય તો પાછળથી અાવતા વાહનોને ઊભેલું વાહન દેખાતું નથી અને પાછળ વાહન  ઘૂસી જતા અકસ્માત સર્જાય છે. હાઈવે ઉપર ઊભેલા વાહનમાં રીફલેક્ટર લાઇટ ન હોવાથી અકસ્માતના બનાવો બન્યા છે.

You might also like