ટ્રાન્સપોર્ટર્સની હડતાળને ટ્રેડર્સ એસોસિયેશનનો ટેકો

અમદાવાદઃ આજ મધરાતથી ગુજરાત સહિત દેશભરના ટ્રક ટ્રાન્સપોર્ટર્સ હડતાળ પર જઇ રહ્યા છે ત્યારે રાજ્યના ટ્રેડર્સ એસોસિયેશને પણ તેને ટેકો જાહેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સહિત દેશભરના ટ્રક ટ્રાન્સપોર્ટર્સ સરકારની ટોલટેક્સની નીતિનો વિરોધ કરી રહ્યા છે. ટ્રાન્સપોર્ટર્સના કહેવા પ્રમાણે ટોલટેક્સના વધતા ભારણને કારણે એક અંદાજ મુજબ દેશભરના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને રૂ. ૮૦ હજાર કરોડથી વધુનું નુકસાન જઇ રહ્યું છે. સરકાર દ્વારા મનસ્વીપણે ઊઘરાવાઇ રહેલા ટોલટેક્સના કારણે ટ્રાન્સપોર્ટર્સને આર્થિક નુકસાનનું ભારણ વેઠવું પડે છે. દરમિયાન આજ મધરાતથી હડતાળ પર જઇ રહેલા ટ્રાન્સપોર્ટર્સને ગુજરાત ટ્રેડર્સ ફેડરેશને પણ ટેકો જાહેર કરતાં હડતાળમાં નવો વળાંક આવ્યો છે. ફેડરેશનના પ્રમુખ જયેન્દ્ર તન્નાએ જણાવ્યું કે સરકારની ટોલટેક્સની નીતિના કારણે ટ્રક ટ્રાન્સપોર્ટર્સ સહિત સામાન્ય નાગરિકને પણ તેનો ભોગ બનવું પડી રહ્યું છે ત્યારે સરકારે ટોલટેક્સની નવી નીતિ ઘડી કાઢવી જોઈએ કે જેના કારણે સામાન્ય લોકો સહિત ઉદ્યોગજગતની આર્થિક મુશ્કેલીમાં ઘટાડો થાય. ઉલ્લેખનીય છે કે ટ્રાન્સપોર્ટર્સ હડતાળને પગલે થોડા દિવસ અગાઉથી બુકિંગનાં કામકાજ પણ ઓછાં કરી દીધાં હતાં, જેથી વેપારીઓને તહેવારોમાં મુશ્કેલી જોવા મળી હતી.
You might also like