ટ્રાન્સપોર્ટરોની હડતાળ લાખો ટ્રકોના પૈડાં થંભ્યા

અમદાવાદઃ ગુજરાત સહિત દેશભરમાં સરકારની ટોલટેકસ અને ટીડીએસની નીતિઓ સામે આજથી ટ્રાન્સપોર્ટરો હડતાળ પર ઊતર્યા છે. રાજ્યના પાંચ લાખથી વધુ ટ્રકનાં પૈડાં થંભી ગયાં છે, જોકે આવશ્યક ચીજવસ્તુઓના પરિવહનને તેમાં છૂટ આપવામાં આવી છે. આવતી કાલે અમદાવાદ મોટર ટ્રાન્સપોર્ટ એસોસિયેશન નારોલ સર્કલ પાસે સરકારની નીતિઓ વિરુદ્ધમાં ધરણાં કરશે.

દરમિયાન ટ્રાન્સપોર્ટરોની હડતાળના મામલે બહારગામથી આવી રહેલી ટ્રકોનો માલ જ ગોડાઉનમાં ઊતરી રહ્યો છે. નવાં બુકિંગ ટ્રાન્સપોર્ટરો દ્વારા બંધ થવાના કારણે ટ્રકોમાં માલનું લોડિંગ અટકી ગયું છે.  હડતાળના પગલે આજ સવારથી હાઇવે સૂમસામ ભાસી રહ્યા છે. 

આ અંગે અમદાવાદ મોટર ટ્રાન્સપોર્ટ એસો.ના પ્રમુખ મદન ચોપરાઅે જણાવ્યું હતું કે સરકારની ટોલટેકસ અને ટીડીએસની નીતિ સામે શહેર સહિત રાજ્યભરના ટ્રાન્સપોર્ટરો હડતાળ પર ઊતરી ગયા છે. માલ-પરિવહનનો કારોબાર લગભગ ઠપ થઇ ગયો છે. આવતી કાલે ટ્રાન્સપોર્ટરો નારોલ સર્કલ પાસે સરકારની નીતિઓ વિરુદ્ધમાં ધરણાં કરનાર છે.

દેશભરમાં આજથી ટ્રાન્સપોર્ટરોની અચોક્કસ મુદતની હડતાળ શરૂ થઈ ગઈ છે અને લાખો ટ્રકોનાં પૈડાં થંભી ગયાં છે. ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે દેશભરના ટ્રાન્સપોર્ટરોની રાષ્ટ્રવ્યાપી બેમુદતી હડતાળનું એલાન આપ્યું છે.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રધાન ની‌િતન ગડકરી સાથે વાતચીત નિષ્ફળ જતાં આ હડતાળ પાડવામાં આવી છે. ટ્રાન્સપોર્ટર યુનિયનોએ દેશભરમાંથી ૩૭૩ ટોલ પ્લાઝા હટાવવાની માગણી કરી છે. ની‌િતન ગડકરીએ યુનિયન સાથેની વાતચીતમાં ડિસેમ્બર સુધીમાં દેશભરમાં ઈલેક્ટ્રોનિક ટોલ સિસ્ટમ લાવવાની ખાતરી આપી હતી, પરંતુ ટોલ સિસ્ટમને સંપૂર્ણપણે નાબૂદ કરવાની શક્યતા નકારી કાઢી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના ચુકાદાને લઈને ઊભી થયેલી અસમંજસની સ્થિતિ, ટોલટેક્સ માફી, ટીડીએસ જેવા કેટલાક મુદ્દાઓને લઈને ટ્રાન્સપોર્ટ યુનિયનો હડતાળ પર છે.

ટોલ બૂથની સિસ્ટમ અને ટીડીએસ નાબૂદ કરવાની માગણી સાથે શરૂ થયેલી આજની દેશભરના ટ્રાન્સપોર્ટરની હડતાળ આવશ્યક ચીજવસ્તુુઓથી પર રહેતાં ગૃહિણીઓને હાશકારો થયો છે. ટ્રક હડતાળના નામ માત્રથી શાકભાજી, ફળો, દૂધ, દવાઓનું શું થશે? તેવો સામાન્ય પ્રશ્ન દરેક નાગરિકના મનમાં ભયરૂપે વ્યાપે છે, પરંતુ આવશ્યક ચીજવસ્તુઓ ધરાવતી હેરફેર કરતી  ટ્રકોને હડતાળની ફરજ નહીં પડાય તેવી જાહેરાત ખુદ ટ્રાન્સપોર્ટ એસોસિયેશને કરી દેતાં ગૃહિણીઓ સહિત તમામ નાગરિકોને હાશકારો થયો છે. 

ટોલટેક્સના વિરોધમાં હડતાળથી માલનું પરિવહન સંપૂર્ણ ઠપ

આ અંગે એપીએમસી (ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ)ના સેક્રેટરી દીપક પટેલે જણાવ્યું હતું કે ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશને કરેલી જાહેરાત મુજબ શાકભાજી, ફળફળાદિ ભરેલી ટ્રકોની અવરજવર નહીં અટકાવવાના કારણે તમામ રોજબરોજની ખાદ્ય પદાર્થોની આવશ્યક ચીજવસ્તુઓ એપીએમસીમાં સામાન્ય ધોરણે ચાલુ રહેશે. હડતાળના કારણે શાકભાજીની આવક કે ફૂલોની આવકને અસર થશે નહીં. ગુજરાતમાં હાલમાં  ૧૧ રોડ પર ૩પ૦પ કરોડનું રોકાણ કરાયું હોઇને ટોલટેકસ લેવામાં આવે છે. ઉપરોકત રકમ પૈકી અંદાજે ૩૪૦ કરોડ ઉઘરાવાયા છે. હજુ બાકીની રકમ બાકી હોઇને હાલમાં ટોલટેકસ ન લેવાની સંભાવના ઓછી છે. એસોસિયેશન જણાવે છે કે ગુજરાતને કુલ ર૧૧૮ કરોડનો ટેકસ ચૂકવાય છે. રપ ટકાનો વધારો પણ સ્વીકારાયો છે. ૧૧ પૈકીના મોટા ભાગના રોડ ઉપરની પ્રોજેકટ કોસ્ટ રોકાણના પ્રમાણમાં વસુલાઇ ગઇ છે. સરકાર સાથેની મંત્રણા નિષ્ફળ જતાં હડતાળ ચાલુ રહેશે.

 

 

You might also like