ટીમ ધોનીના સ્થાને હવે ટીમ વિરાટ

અમદાવાદઃ હવે ટીમ ઇન્ડિયા પર ભૂતપૂર્વ ટેસ્ટ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનો રંગ ફિક્કો પડતો દેખાઈ રહ્યો છે અને વર્તમાન કેપ્ટન વિરાટ કોહલીની છાપ ઘાટી બનતી જઈ રહી છે. શ્રીલંકાના પ્રવાસ માટે ભારતીય ટીમની પસંદગીથી આ વાત સ્પષ્ટ થઈ ગઈ છે. આ એ જ અમિત મિશ્રા છે, જે ગત ટી-૨૦ વિશ્વકપમાં ભારતનો બીજા નંબરનો સર્વશ્રેષ્ઠ બોલર રહ્યો હતો. તેણે ૬.૬૮ના ઇકોનોમી રેટ સાથે દસ વિકેટ ઝડપી હતી, પરંતુ તેને ઈંગ્લેન્ડના પ્રવાસ માટે ટીમ ઇન્ડિયામાં પસંદ કરવામાં આવ્યો નહોતો. ઘરેલુ સિઝન અને આઇપીએલમાં સતત સારું પ્રદર્શન કરવા છતાં અમિત પાછલાં ચાર વર્ષથી ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવી શક્યો નહોતો. જો ધોનીની કેપ્ટનશિપમાં તેને ટી-૨૦ અને વન ડે ટીમમાં સ્થાન મળતું તો પણ અંતિમ ઈલેવનમાં તેને તક નહોતી મળતી.પરિસ્થિતિ એવી સર્જાઈ કે અમિતે એક વાર કહેવું પણ પડ્યું હતું કે, ”ટીમની પસંદગી મારા હાથમાં નથી. હું એ અંગે કંઈ ના કહી શકું. મેં ક્રિકેટ અને વ્યક્તિગત જીવનને એન્જોય કરવાનું બંધ કરી દીધું છે. તણાવ સાથે ઘરે પહોંચવાની મને આદત પડી ગઈ છે. હું હંમેશાં ટીમમાં પસંદગી અંગે વિચાર્યા કરું છું.” અમિત સાથે આવું એક વાર નથી થયું, બે વર્ષ પહેલાં તેણે આઇપીએલમાં ૬.૩૫ના ઇકોનોમી રેટ સાથે ૨૧ વિકેટ ઝડપી હતી, પરંતુ ત્યાર બાદ પણ તે ભારતીય ટીમમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યો હતો એટલું જ નહીં, એ દરમિયાન કર્ણ શર્માને પહેલી ટેસ્ટ રમવાનો મોકો મળી ગયો અને અક્ષર પટેલે ગત વિશ્વકપમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું. આવી જ હાલત હરભજનસિંહની પણ હતી. તે પણ ધોનીની પસંદગીનો ખેલાડી નહોતો. હરભજનને જો ટીમ ઇન્ડિયામાં સામેલ કરાયો હોત તો અશ્વિન અને જાડેજાને ટીમમાં પોતાનું સ્થાન મેળવવાના ફાંફાં પડી ગયાં હોત. એ જ કારણ હતું કે એક વાર ખરાબ પ્રદર્શન બાદ ભજ્જીની ટીમમાં વાપસી મુશ્કેલ બની ગઈ. લોકો એવું પણ કહેવા લાગ્યા કે ભજ્જીની આંતરરાષ્ટ્રીય કારકિર્દી હવે સમાપ્ત થઈ ગઈ છે. હરભજન અને વિરાટને બહુ સારું બને છે અને એ જ કારણ છે કે ભજ્જી ફરીથી ટીમ ઇન્ડિયાનો કાયમી સભ્ય બનવાની રાહ પર આવી ગયો છે. આ ઉપરાંત ધોનીના માનીતા રવીન્દ્ર જાડેજા અને સુરેશ રૈના માટે ભવિષ્યમાં ટેસ્ટ ટીમમાં વાપસી કરવાનું પણ હવે મુશ્કેલ જણાઈ રહ્યું છે. જ્યારે ગૌતમ ગંભીર અને વિરાટ વચ્ચે આઇપીએલ મેચ દરમિયાન થયેલી માથાકૂટ બધાને યાદ હશે જ, આથી એવું બની શકે કે ધોનીના જવા છતાં ગૌતમ ટીમ ઇન્ડિયામાં વાપસી કરી શકશે નહીં.

ફાસ્ટ બોલિંગ મામલે ધોની અને પસંદગીકારો આમને-સામને

ફાસ્ટ બોલિંગ આક્રમણને લઈને બીસીસીઆઇના મુખ્ય પસંદગીકાર સંદીપ પાટીલ અને વન ડે કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની સામસામે આવી ગયા છે. સંદીપ પાટીલે કહ્યું કે, ”ધોનીએ શું કહ્યું એ અંગે હું વાત નથી કરી રહ્યો, પરંતુ અમે ટીમમાં યોગ્ય સંતુલન જાળવવાની કોશિશ કરી રહ્યા છીએ. આ ઉપરાંત શ્રીલંકાની વિકેટને જોઈને અમને લાગે છે કે આ સર્વશ્રેષ્ઠ બોલિંગ આક્રમણ છે.” હરભજન અંગે પાટીલે કહ્યું કે, ”ઉંમર ક્યારેય પણ પસંદગીનો માપદંડ હોઈ શકે નહીં, ફિટનેસ પર ધ્યાન આપવાનું હોય છે.” જ્યારે તેને પૂછવામાં આવ્યું કે નવી ટીમમાં ધોનીના માનીતા ખેલાડી નથી દેખાઈ રહ્યા, ત્યારે મુખ્ય પસંદગીકારે જણાવ્યું કે, ”દરેક કેપ્ટનનો અલગ દૃષ્ટિકોણ હોય છે. કોઈ રક્ષાત્મક હોય છે તો કોઈ આક્રમક.”

 

You might also like