ઝેડ પ્લસ સુરક્ષા લેવાનો અણ્ણા હજારેનો ઈનકાર

નવી દિલ્હી: મહારાષ્ટ્ર સરકાર દ્વારા આપવામાં આવનારી ઝેડ પ્લસ સુરક્ષા લેવાનો અણ્ણા હજારેએ ઈનકાર કર્યો હતો. આ અગાઉ જાણીતા સમાજસેવક અને ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનના અગ્રણી અણ્ણા હજારેને મહારાષ્ટ્ર સરકારે ઝેડ પ્લસ સુરક્ષા પૂરી પાડવાનો નિર્ણય લીધો હતો. જોકે, હજારેએ પોતાના જીવને કોઈ જોખમ ન હોવાનો દાવો કરીને આ સુરક્ષા લેવાનો ઈનકાર કરી દીધો હતો.  મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે અણ્ણા હજારેને ધમકી ભરેલો પત્ર મળ્યા બાદ તેમને ઝેડ પ્લસ સુરક્ષા કવચ પૂરું પાડવા માટે મંજૂરી આપી હતી. હજારેએ તેનો સ્વીકાર કર્યો હોત તો તેમની સુરક્ષામાં સીઆઈએસએફના વીવીઆઈપી ૬૦ કમાન્ડોને તૈનાત કરવામાં આવ્યા હોત અને તેઓ તેમને ૨૪ કલાક સુરક્ષા કવચ પૂરું પાડતા હોત. પરંતુ અણ્ણાએ તે લેવાનો ઈનકાર કરી દીધો હોવાથી મહારાષ્ટ્ર સરકારે તેમની સુરક્ષા માટે બીજો માર્ગ અપનાવવો પડશે. આ અગાઉ મુખ્ય સચિવના નેતૃત્વ હેઠળની સ્ક્રુટિની કમિટિએ અણ્ણા હજારેને સુરક્ષા કવચ પૂરું પાડવા માટે કરેલી દરખાસ્તનો મુખ્યપ્રધાન ફડણવીસે સ્વીકાર કર્યો હતો. આ મહિનાની શરૂઆતમાં હજારેને એક ધમકીભર્યો પત્ર મળ્યો હતો. તેમાં જણાવાયું હતું કે તેઓ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યપ્રધાન મનિષ સિસોદિયાને તેમનું સમર્થન ચાલુ રાખશે તો તેમના પણ નરેન્દ્ર દાભોલકર જેવા હાલ થશે. પત્રમાં તેમને તેમના ગામમાં જ રહેવા માટે જણાવાયું હતું. આ પત્ર અંગ્રેજી, હિન્દી અને મરાઠી ભાષામાં લખાયેલો હતો. હજારેની ઓફિસના સૂત્રોએ જણાવ્યું હતું કે આ પત્ર હાથથી લખાયેલો હતો અને ટપાલ ટિકિટ પણ સ્પષ્ટ દેખી શકાતી ન હોવાથી તે ક્યાંથી પોસ્ટ કરાયો હતો તે જાણી શકાયું નથી. વધુ તપાસ માટે આ પત્ર પોલીસને સુપરત કરવામાં આવ્યો હતો.  હજારેને અગાઉ પણ ધમકીભર્યા પત્રો મળ્યા હતા પરંતુ આ વર્ષે ફેબ્રુઆરીમાં પાનસરેની હત્યા થઈ તે પછી જ સરકારે તેમને સુરક્ષા પૂરી પાડી હતી. એક પોલીસ ટુકડીને કાયમ માટે તેમના ગામમાં ફરજ પર મૂકવામાં આવી છે.  અગાઉ પણ એક અજાણી વ્યક્તિ દ્વારા ધમકીભર્યા ફોન કોલ મળ્યા બાદ તેમણે એપ્રિલ, ૨૦૧૪માં સુરક્ષા કવચ લેવાનો ઈનકાર કર્યો હતો.
 
You might also like