‘જો રિયોમાં સારું નહીં રમે તો લિએન્ડર નિવૃત્તિ લેશે’

નવી દિલ્હીઃ ભારતના શાનદાર ટેનિસ ખેલાડીઓમાંનો એક લિએન્ડર પેસ આગામી વર્ષે રિયોમાં યોજાનાર ઓલિમ્પિક બાદ નિવૃત્તિ લઈ શકે છે. લિએન્ડરના પિતા વેસ પેસે કહ્યું કે જો લિએન્ડર રિયોમાં સારું નહીં રમે તો તે ટેનિસ રમવાનું ચાલુ નહીં રાખે. વેસ પેસે કહ્યું કે હાલમાં લિએન્ડરનું સમગ્ર ધ્યાન ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરવાનું છે. તેની રમતનું ભવિષ્ય ઘણી હદે એ વાત પર નિર્ભર રહેશે કે તે રમતના આ મહાકુંભમાં કેવું પ્રદર્શન કરે છે. વેસ પેસે કહ્યું, ”જો લિએન્ડર ઓલિમ્પિકમાં સારું નહીં રમે તો પછી તેનું ટેનિસ રમવાનું ચાલુ રાખવાનો કોઈ અર્થ નથી. એવી પરિસ્થિતિમાં તે નિવૃત્તિ લઈ લેશે. જો લિએન્ડર ઓલિમ્પિકમાં સારું પ્રદર્શન કરશે તો થોડો વધુ સમય તે ટેનિસમાં સક્રિય રહી શકે છે, પરંતુ એ નિર્ણય તેનો પોતાનો રહેશે. અમે આ અંગે કોઈ ચર્ચા નથી કરી. તે પોતાની રમતને લઈને ઘણી મહેનત કરી રહ્યો છે. જોઈએ હવે આગામી વર્ષે શું થાય છે.”લિએન્ડરના પિતા વેસ પેસ ખુદ એક આંતરરાષ્ટ્રીય હોકીના પ્લેયર રહી ચૂક્યા છે અને ૧૯૭૨ના મ્યુનિચ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનારી ટીમના તેઓ સભ્ય હતા. વેસ પેસે કહ્યું કે, ”લિએન્ડર રિયોમાં મિક્સ્ડ અને મેન્સ ડબલ્સ બંને વર્ગમાં રમવા ઇચ્છે છે. તે રિયોમાં રોહન બોપન્ના અને સાનિયા મિર્ઝા સાથે રમવાની આશા રાખે છે.” લિએન્ડર પેસ જો રિયોમાં રમશે તો એ તેની સાતમી ઓલિમ્પિક ગેમ્સ હશે. તે પહેલી વાર ૧૯૯૨ની ઓલિમ્પિક ગેમ્સમાં રમ્યો હતો. ૧૯૯૬ના એટલાન્ટા ઓલિમ્પિકમાં લિએન્ડરે સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે ઓલિમ્પિકમાં મેડલ જીતનારો એકમાત્ર ભારતીય ટેનિસ ખેલાડી છે.
 
You might also like