જૈન મુનિઓ પોતાના ક્રોધ પર કાબૂ રાખેઃ શિવસેના

મુંબઈઃ જૈન સમુદાયના ધાર્મિક પર્વ પર્યુષણને લઈને શિવસેનાએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. શિવસેનાએ પોતાના મુખપત્ર ‘સામના’માં લખ્યું છે કે અમે જૈન કે અન્ય કોઈ પણ ધર્મના પર્વની વિરુદ્ધ નથી. સાથે એવી પણ સલાહ આપી છે કે જૈન સમુદાયના સંતો પોતાના ક્રોધ પર કાબુ રાખે, કારણ કે ક્રોધ સંતાપ અને અનશન એ પણ એક પ્રકારની હિંસા જ છે.

શિવસેનાએ ‘સામના’માં લખ્યું છે કે પક્ષે જૈન સમુદાયને દેશ છોડવાની વાત કરી નથી, પરંતુ તેમણે બીજા લોકોની ધાર્મિક લાગણીનો આદર કરવો જોઈએ. આ મામલો મુંબઈમાં માંસ પર મૂકવામાં આવેલા પ્રતિબંધને લગતો હતો. શિવસેનાએ જણાવ્યું હતું કે મુંબઈમાં તેઓ માંસ પરના પ્રતિબંધનો અમલ કરવા દેશે નહીં.

શિવસેનાએ લખ્યું છે કે ભારતના લોકોના રોમેરોમમાં અહિંસાનો સિદ્ધાંત છે. પાકિસ્તાન કેટલી પણ હિંસા કરે, પરંતુ આપણે ક્યારેય પ્રથમ ગોળી છોડીશું નહીં, આ પણ એક પ્રકારની અહિંસા છે. ગમે તેટલા જવાનો શહીદ થાય, પરંતુ હિંદુસ્તાની ક્યારેય ગોળીબાર કરવાની પહેલ નહીં કરે, આવું કરશે તો તે હિંસા ગણાશે.

‘સામના’એ પક્ષમાં લખ્યું છે કે મુળભૂત વાત એ છે કે કોણ શું ખાય તેને ધર્મ સાથે કોઈ નિસ્બત નથી, પરંતુ તે આહાર શાસ્ત્રનો વિષય છે. ધર્મનો નહીં. આમ હવે માંસ પરના પ્રતિબંધના વિવાદ પર શિવસેના તરફથી પડતો પાડી દીધો છે અને જણાવ્યું છે કે જૈનો અમારા શત્રુ નથી.

You might also like