જે કિસ્મતમાં હશે એ જ થશેઃ સોનાક્ષી  

બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે સોનાક્ષી સિંહાએ તેની કરિયર કોસ્ચ્યુમ ડિઝાઇનરના રૂપમાં શરૂ કરી. 2005માં ‘મેરા દિલ લે કે દેખો’ ફિલ્મમાં તેણે કોસ્ચ્યુમ ડિઝાઇન કર્યાં. 2010માં ‘દબંગ’ ફિલ્મથી તેણે હીરોઇન તરીકે રૂપેરી પરદે ધમાકેદાર એન્ટ્રી કરી અને દર્શકોના દિલની ધડકન બની ગઇ. આજે તેને બોલિવૂડમાં પાંચ વર્ષ થઇ ચૂક્યાં છે અને તે નિર્માતા-નિર્દેશકોની પહેલી પસંદ બની ચૂકી છે. હાલમાં તે ‘અકીરા’ ફિલ્મમાં વ્યસ્ત છે. 

‘અકીરા’ અંગે વાત કરતાં તે કહે છે કે હું ‘અકીરા’ને લઇને ખૂબ જ ઉત્સાહિત છું. તેનું એક ખાસ કારણ એ છે કે તે એક એક્શન પ્રધાન ફિલ્મ છે, જેમાં હું તમને એક અલગ જ અવતારમાં જોવા મળીશ. બીજી એક ખાસ વાત એ પણ છે કે હું પહેલી વાર આ ફિલ્મમાં મારા પિતા સાથે જોવા મળીશ. મારા માટે આ એક અવિસ્મરણીય અનુભવ છે. સોનાક્ષીની લાસ્ટ ફિલ્મ ‘તેવર’ ભલે ફ્લોપ ગઇ, પરંતુ તેને ફ્રાઇડે ફીઅર સતાવતો નથી. તે કહે છે, જે થવાનું છે તે તો થઇને જ રહેવાનું છે. મેં અભિનેત્રી બનવા અંગે ક્યારેય વિચાર્યું ન હતું. હું એક ડ્રેસ ડિઝાઇનર હતી, પરંતુ જુઓ હું આજે સફળ એકટ્રેસ છું. 

સોનાક્ષીનો એપ્રોચ હંમેશાં એકદમ પ્રે‌ક્ટિકલ હોય છે. તે કહે છે કે બિઝનેસમાં રહેવું હશે તો  પ્રે‌ક્ટિકલ  તો રહેવું જ પડશે, કેમ કે અહીં કંઇ પણ નિશ્ચિત હોતું નથી. તમને એ પણ ખબર હોતી નથી કે અહીં કઇ વસ્તુ કામ કરે છે અને કઇ નહીં. તે કહે છે, અહીં આવીને હું એક વાત શીખી છું કે કોઇ પણ બાબતને ગંભીરતાથી ન લેવી અને કામને ક્યારેય ઘરે ન લઇ જવું તેમજ સ્ટારડમને ખુદ પર હાવી ન થવા દેવું.  

 

You might also like