જૂથવાદથી નિરાશ શુક્લા બોલ્યાઃ ‘હું રેસમાં નથી’

728_90
નવી દિલ્હીઃ બીસીસીઆઇ ત્રણ જૂથમાં વહેંચાઈ જતાં નિરાશ થયેલા આ પદના પ્રબળ દાવેદાર અને આઇપીએલ ચેરમેન રાજીવ શુક્લાએ ગઈ કાલે ખુદને રેસમાંથી અલગ કરી દીધા છે.  બીસીસીઆઇ અધ્યક્ષ જગમોહન દાલમિયાના નિધન બાદ દુનિયાના સૌથી ધનવાન ક્રિકેટ બોર્ડના સર્વેસર્વા બનવા માટે ભૂતપૂર્વ અધ્યક્ષ શરદ પવાર, કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલી અને આઇસીસી ચેરમેન એન. શ્રીનિવાસનનાં જૂથોમાં વિભાજન થઈ ગયું છે. પવાર ખુદ અથવા તો પોતાની નજીકના ગણાતા ભૂતપૂર્વ અધ્યક્ષ શશાંક મનોહરને આ પદ પર બેસાડવા ઇચ્છે છે, જ્યારે જેટલી અને બીસીસીઆઇના સચિવ અનુરાગ ઠાકુરની પસંદ રાજીવ શુક્લા છે, જ્યારે શ્રીનિવાસન કોઈ એવું પ્યાદું શોધી રહ્યા છે, જેના કારણે તેનું આઇસીસી ચેરમેનપદ અને આઇપીએલ ટીમ ચેન્નઈ સુપર કિંગ્સને કોઈ આંચ ના આવે.આ બાબતે શ્રીનિવાસને પોતાના કટ્ટર વિરોધી એવા શરદ પવારની નાગપુરમાં મુલાકાત પણ લીધી હતી. આ ઉપરાંત બેંગલુરુમાં શ્રીનીએ પોતાના જૂથનાં રાજ્ય સંગઠનો સાથે વાતચીત પણ કરી હતી. જોકે પવારે કહ્યું હતું કે શ્રીનિવાસન અધ્યક્ષપદની દોડમાં નથી. ખાસ વાત તો એ છે કે આ એ જ શરદ પવાર છે, જેમણે ગત ફેબ્રુઆરીમાં યોજાયેલી બીસીસીઆઇની ચૂંટણીમાં શ્રીનિવાસન વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો અને અનુરાગ એ જ જૂથ સામે લડીને સચિવ બન્યો હતો. આ બધી બબાલથી નિરાશ થયેલા રાજીવ શુક્લાએ કહ્યું, ”દાલમિયાના નિધન બાદ બોર્ડને એકજૂથ થઈને કામ કરવું જોઈએ. બધાએ સાથે બેસીને એક નવો નેતા પસંદ કરવો જોઈએ. બોર્ડનું ત્રણ જૂથમાં વહેંચાઈ જવું યોગ્ય નથી. આ જ દાલમિયાને સાચી શ્રદ્ધાંજલિ હશે. હું આ બધી બાબતોથી ખુશ નથી અને ખુદને આ રેસમાંથી અલગ કરું છું.”સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રણ જૂથમાં વહેંચણીથી હવે કોઈ જૂથ પાસે એટલા વોટ નથી કે તે એકલું જીતી શકે એટલુ જ નહીં, બીસીસીઆઇના રાજકારણમાં ક્યારે મિત્ર દુશ્મન અને દુશ્મન મિત્ર બની જાય એ નક્કી નથી હોતું. આથી બધા ફૂંકી ફૂંકીને છાશ પી રહી રહ્યા છે અને કોઈ પણ પોતાનાં પત્તાં નથી ખોલી રહ્યા. શ્રીનિવાસન અને શરદ પવારની મુલાકાતથી કેટલાક લોકો પણ નારાજ છે. તેઓનું કહેવું છે કે પવારે શ્રીનિવાસનની કાર્યપ્રણાલિથી નારાજ થઈને જ બીસીસીઆઇમાંથી રાજીનામું આપી દીધું હતું અને હવે તેમની સાથે જ વાતચીત થઈ રહી છે. હાલમાં શ્રીનિવાસન પાસે સાત, જેટલી જૂથ પાસે ૧૪ અને પવાર જૂથ પાસે આઠ રાજ્ય સંગઠનોનું સમર્થન છે.
 
You might also like
728_90